કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતા એક શિક્ષિકાએ મંગળવારના રોજ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ શિક્ષિકાએ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને જ ઊંઘની ગોળીઓ ગળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શિક્ષિકા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે પહેલા સુસાઈડ નોટ લખી હતી. જેમાં 11 શિક્ષકો અને કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નામ લખ્યું હતું. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આ 12 લોકો શિક્ષિકાને માનસિક ત્રાસ આપતાં હતા. જોકે, આ કેસમાં શિક્ષિકાએ આપઘાત કરતા પહેલા પોતાના ભાઇને ફોન કરીને આપવિતી વર્ણવી હતી. આ વાતચીતનો ઓડિયો પણ હાલ સામે આવ્યો છે. હાલ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આપઘાત કરનાર શિક્ષિકાનું નામ જયશ્રીબેન પોપટભાઈ પટેલ છે. જેઓ વર્ષ 2011થી કડી તાલુકાના મેડા આદરજની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. શાળાના સ્ટાફ તેમજ અન્ય શિક્ષકોના ટોર્ચરથી જયશ્રીબેન પટેલ એ હદે કંટાળી ગયા હતા કે, તેમને આપઘાત કરવાનું વિચારીને એક સાથે ઊંઘની 20 ગોળીઓ ગળી લીધી હતી. જયશ્રીબેને સુસાઇડ નોટમાં કડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પુષ્પાબેન ભીલ અને પોતાની જ શાળાના 11 શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કર્યો છે.
જયશ્રીબેને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું બહુ જ કંટાળી ગઇ છું. મને લાગે છે કે હવે મારે આપઘાત કરીને જીવન ટૂંકાવી લેવુ જોઇએ. આ લોકો મને નોકરી પર બહુ જ હેરાન કરી રહ્યા છે. આ લોકો મને બદનામ કરી રહ્યા છે. સ્ટાફના લોકો એક થઇને મારી સાથે વાત કરતા નથી. સ્ટાફ તરફથી અપાઈ રહેલ ત્રાસ મારાથી સહન થાય એમ નથી. મારા પછી મારા છોકરાઓને સંભાળજે.આ લોકોએ કડીમાં મને કોઇને મોં બતાવવા લાયક પણ રાખી નથી.
આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, મેડા આદરજની પ્રાથમિક શાળામાં શિક્ષકો 2 અલગ અલગ જૂથમાં વહેંચાઈ ગયા છે. શાળાના અન્ય શિક્ષકોએ આચાર્ય અને શિક્ષિકા સામે રજૂઆત કરી હતી. જેની તપાસ કડી તાલુકાના ટીપીઈઓને સોંપવામાં આવી હતી.
જયશ્રીબેન પટેલે સુસાઇડ કરતા પહેલા પોતાના ભાઇને ફોન કરની જણાવ્યું હતું કે, કડી તાલુકા પંચાયતના ટીપીઓ પુષ્પાબેન સહિત 12શિક્ષકો તેમને ત્રાસ આપી રહ્યા છે. આ લોકો મારા કેરેક્ટર પર સવાલ ઉઠાવીને મને બદનામ કરી રહ્યા છે. અને આથી તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. આ બાદ જયશ્રીબેન પટેલે ઊંઘની એક સાથે 20 ગોળીઓ ગળી લેતા તેમની હાલત ખુબ જ ગંભીર થઇ ગઇ હતી. જે બાદ તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હાલ ઘાટલોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.