સમાચાર

Ukraine Russia War : ઝેલેન્સકીએ અમેરિકી સંસદમાં યુક્રેનના વિનાશનો વીડિયો બતાવ્યો અને કહી આ મોટી વાત….

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએસ સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તમામ અમેરિકી સાંસદોએ ઝેલેન્સકીનું ઉભા રહીને અભિવાદન કર્યું હતું. ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, અમે યુદ્ધ ઈચ્છતા નથી. યુદ્ધ બંધ કરવામાં આવે. અમે યુદ્ધને રોકવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયા સતત હુમલા માટે મિસાઈલોનો ઉપયોગ કરી રહ્યું છે. ઝેલેન્સકીએ અમેરિકાને બીજા વિશ્વયુદ્ધની યાદ અપાવી અને યુએસની સંસદમાં યુક્રેનની તબાહીનો વીડિયો બતાવ્યો હતો. ઝેલેન્સકીએ જણાવ્યું છે કે, અમારા અધિકારો પર હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ અપીલ કરી છે કે, અમેરિકાએ રશિયા પર વધુ સખ્ત પ્રતિબંધો લગાવવા જોઈએ. અમેરિકન કંપનીઓએ પણ રશિયા છોડવું જોઈએ.

ઝેલેન્સકીએ પોતાના ભાષણમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો પણ આભાર માન્યો હતો. તેમને જણાવ્યું હતું કે, અત્યાર સુધીની તમામ મદદ માટે હું અમેરિકાનો આભાર માનું છું. ઝેલેન્સકીએ એ પણ જણાવ્યું કે, આજના સમયમાં નેતા હોવાનો અર્થ એ છે કે તમે શાંતિનું નેતૃત્વ કરો. તેમણે કહ્યું કે, અમેરિકાએ પોતાના બધા બંદરો રશિયા માટે બંધ કરી દેવા જોઈએ. ઝેલેન્સકીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, રશિયા સાથેના યુદ્ધની વચ્ચે યુક્રેન ક્યારેય શરણાગતિ સ્વીકારશે નહીં. યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, અમારા દેશનું ભાગ્ય નક્કી થઈ રહ્યું છે. આ માત્ર અમારા પર અને અમારા શહેરો પર હુમલો નથી, પરંતુ અમારા જીવવાના અધિકાર પર હુમલો છે. ઝેલેન્સકીએ જણાવ્યું છે કે, જેમ અમેરિકાના લોકોના સપના સ્વતંત્રતા સાથે જોડાયેલા છે, તે જ રીતે યુક્રેનના લોકોના સપના પણ છે.

ઝેલેન્સકીએ વધુમાં જણાવ્યું છે કે, અમેરિકાના લોકો માટે સામાન્ય જીવનશૈલી છે જે અમે યુક્રેનમાં અમારા લોકો માટે ઇચ્છીએ છીએ. 1941 ની તે સવાર યાદ કરો જ્યારે અમેરિકા પર હુમલો થયો હતો, 11 સપ્ટેમ્બર યાદ કરો જ્યારે અમેરિકા પર હુમલો થયો હતો. રશિયા દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે તે અમે પણ રોકી શક્યા નથી. રશિયા દ્વારા અત્યાર સુધીમાં યુક્રેન પર 1000 થી વધુ મિસાઈલો છોડવામાં આવી છે. હુમલા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હું કંઈક વધુ માંગ કરી રહ્યો છુ? યુક્રેન પરના ફ્લાય ઝોનનો નિયમ લાગુ થવો જોઈએ. જો આ અમલ થશે તો રશિયા અમારા પર હુમલો કરી શકશે નહીં. અમેરિકા જાણે છે કે, અમારે કઈ રીતના હથિયારોની જરૂરીયાત છે. મારું એક સ્વપ્ન છે કે, દરેક અમેરિકન આ શબ્દો જાણે છે. આજે હું કહું છું કે, મારે મારા આકાશની રક્ષા કરવી છે. ઝેલેન્સકીએ કહ્યું કે, હું એકવાર ફરીથી તમને વિનંતી કરીશ કે, તમે અમારી વધુ મદદ કરો. કેટલાક વધુ નિયંત્રણો હજુ પણ જરૂરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, આજે વિશ્વ પાસે યુદ્ધ રોકવા માટેના સાધનો નથી. એટલા માટે અમારે નવા જોડાણની જરૂરીયાત છે. આ સંઘર્ષ 24 કલાકમાં બંધ થવું જોઈએ.

[quads id=1]

Related Articles

Back to top button