બોલથી નહીં પરંતુ ટ્રેન્ટ બોલ્ટે બેટથી રચ્યો ઈતિહાસ, આ શ્રીલંકન દિગ્ગ્જને છોડ્યા પાછળ…..
ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ટ્રેન્ટ બ્રિજ, નોટિંગહામ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના અંતિમ દિવસે ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને 299 રનનો ટાર્ગેટ આપ્યો છે. મેચના પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ બીજા દાવમાં 284 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરેલ મિશેલે અણનમ 62 રન બનાવ્યા હતા. જ્યારે ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે છેલ્લા 15 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. બોલ્ટે પોતાની આ ઇનિંગ્સમાં ઇતિહાસ રચ્યો હતો. તેણે શ્રીલંકાના દિગ્ગજને પાછળ છોડીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.
આમ કરનાર પ્રથમ ખેલાડી
બોલ્ટ ટેસ્ટ ક્રિકેટમાં 11 માં નંબર પર બેટિંગ કરીને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મુથૈયા મુરલીધરનના નામે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ 11 માં નંબર પર હતો, જે હવે બોલ્ટે તોડી નાખ્યો છે. મુરલીધરને તેની કારકિર્દીમાં 133 ટેસ્ટ મેચ રમી હતી, જેમાંથી 87 મેચોની 98 ઇનિંગ્સમાં તેણે 11 માં નંબર પર બેટિંગ કરતા 11.31 ની એવરજથી 623 રન બનાવ્યા હતા.
ટ્રેન્ટ બોલ્ટે 640 રન બનાવ્યા
ટ્રેન્ટ બોલ્ટે 11 મા નંબર પર બેટિંગ કરતા 16.41 ની એવરેજથી 640 રન બનાવી દીધા છે. ટ્રેન્ટ બોલ્ટે અત્યાર સુધી 76 ટેસ્ટ મેચ રમી છે, તેમાંથી 69 મેચની 79 ઇનિંગ્સમાં 11 માં નંબર પર બેટિંગ કરવાની તક છે. 11 માં નંબર પર બેટિંગ કરતા જેમ્સ એન્ડરસને 618 રન બનાવ્યા છે જ્યારે ગ્લેન મેકગ્રાએ 603 રન બનાવ્યા છે. જ્યારે કર્ટની વોલ્શના નામે ટેસ્ટમાં 11 માં નંબર પર બેટિંગ કરતા 553 રન બનાવવાનો રેકોર્ડ છે.