આજે આખો દેશ આમ આદમી પાર્ટીના પરિવર્તન ની રાજનીતિ અપનાવી રહ્યો છેઃ ઇસુદાન ગઢવી
મધ્યપ્રદેશ ના સિંગરૌલી શહેરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે. સિંગરૌલી આખા દેશની પહેલી એવી મ્યુનિસિપલ કોર્પોરેશન છે જેમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે જીતી છે. આમ આદમી પાર્ટીના મેયર પદ ના ઉમેદવાર પણ પોતાની જીત નોંધાવી ચુક્યા છે. આ આનંદના અવસરે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, જૂનાગઢ સહિત તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી ગુજરાત ના કાર્યકરોએ ઢોલ નગારા વગાડીને અને એક બીજાને મીઠાઈ ખવડાવીને, એક બીજાને શુભેચ્છા પાઠવી અને આ ઐતિહાસિક જીત ની ઉજવણી કરી હતી.
આ ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરતાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આજે આમ આદમી પાર્ટી ની નહિ પણ સિંગરૌલી ની જનતાની જીત છે. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરાયેલ પરિવર્તન ની રાજનીતિ હવે દેશમાં દરેક જગ્યાએ અપનાવવામાં આવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ ની ભ્રષ્ટાચાર ની રાજનીતિને બદલે આમ આદમી પાર્ટીની પ્રામાણિક રાજનીતિ અપનાવવા બદલ હું સિંગરૌલી ના લોકોનો આભાર વ્યક્ત કરું છું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા એ ખુશીના અવસરે બોલતા કહ્યું કે, સિંગરૌલીના લોકો આજે ભાજપ અને કોંગ્રેસ પર ઝાડું મારી દીધું છે. અરવિંદ કેજરીવાલજી ની કટ્ટર પ્રામાણિક રાજનીતિને લોકો મધ્યપ્રદેશમાં અપનાવી રહ્યા છે તે ખૂબ જ ખુશીની વાત છે. અમને પૂરો વિશ્વાસ છે કે જે રીતે દિલ્હીમાં લોકો માટે ઐતિહાસિક કામો થયા છે, તે જ રીતે સિંગરૌલી શહેરમાં પણ આમ આદમી પાર્ટી તે કાર્યો કરશે. તેવી જ રીતે આગામી સમયમાં ગુજરાતની જનતા પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને પૂર્ણ બહુમતી આપી ને દેશના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરશે.
આ ઐતિહાસિક જીત અંગે માહિતી આપતા આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ મીડિયાને જણાવ્યું કે, આજનો દિવસ આમ આદમી પાર્ટી માટે ખુશીનો દિવસ છે, કારણ કે એક આંદોલનમાંથી જન્મેલી પાર્ટી એ સૌથી પહેલા દિલ્હીમાં સરકાર બનાવી અને તેના કામો ના આધારે પંજાબમાં પણ સરકાર બનાવી. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં 27 સીટો જીતીને મુખ્ય વિપક્ષ તરીકે સેવા આપી રહી છે. આ ઉપરાંત ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 100થી વધુ સીટો જીતી છે અને આજે મધ્યપ્રદેશ ની સિંગરૌલી નગરપાલિકામાં પૂર્ણ બહુમતી મેળવી ને આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત કોઈ નગરપાલિકા કબજે કરી છે.
હું મધ્યપ્રદેશના લોકોનો આભાર માનું છું કે તેઓ એ આમ આદમી પાર્ટી પરિવારને સેવા કરવાની તક આપી. આમ આદમી પાર્ટીના મધ્યપ્રદેશના નેતા અને કાર્યકરો ને, આમ આદમી પાર્ટીના નેશનલ નેતાઓને સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટી ના પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ.