મીઠાઈ ખાવાની બાબતમાં સાસુ વહુ વચ્ચે થયેલા ઝઘડાએ લીધું વિકરાળ સ્વરૂપ
ગ્રેટર નોઈડા વેસ્ટમાં એક મહિલાએ મીઠાઈ ન આપવા પર તેની સાસુ સાથે ઝઘડો કર્યો હતો. ગુસ્સામાં આવીને મહિલાએ તેના બે વર્ષના પુત્રને ઝેર આપીને પોતે પણ ઝેર પી લીધું હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ મહિલા અને તેના માસૂમ પુત્રને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થઈ ગયું હતું. તેમ છતાં મહિલાની હાલત ખતરાની બહાર છે. પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ મામલામાં તપાસમાં શરૂ કરવામાં આવી છે.
બિસરખ કોતવાલી પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, ગ્રેટર નોઇડા વેસ્ટની સુપરટેક ઇકો વિલેજ વન સોસાયટીમાં જોગીન્દર સિંહ માલીનું કામ કરે છે. જોગીન્દર સોસાયટીમાં બનેલા સર્વન્ટ ક્વાર્ટરમાં પરિવાર સાથે રહે છે. પોલીસે જણાવ્યું છે કે, 21 જૂનના જોગીન્દરના ઘરમાં ક્યાંકથી મીઠાઈ આવી હતી. જોગીન્દરની પત્ની પૂનમ અને તેની માતા વચ્ચે મીઠાઈ વહેંચવાને લઈને ઝઘડો થયો હતો. ગુસ્સામાં પૂનમે તેના બે વર્ષના પુત્ર શિવમને ઝેર આપીને પોતે પણ ઝેર પી લીધું હતું.
મહિલા અને તેના બાળકને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શિવમનું મૃત્યુ થયું હતું.
બિસરાખ કોતવાલી પ્રભારી ઉમેશ બહાદુર સિંહે જણાવ્યું છે કે, પોલીસ દ્વારા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. મહિલાની હાલત ખતરાની બહાર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મહિલા હાલમાં બુલંદશહેરના જહાંગીરાબાદમાં તેના માતુશ્રીના ઘરે છે. આ અંગે પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. તેમ છતાં પોલીસ દ્વારા આ મામલામાં તપાસ શરૂ કરવામાં આવી છે.