રશિયા-યુક્રેન વિવાદને લઈને આવ્યા મોટા સમાચાર, અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા
યુક્રેન અને રશિયા વચ્ચે સતત વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. પુતિન દ્વારા પૂર્વી યુક્રેનના બે ક્ષેત્રોને અલગ રાજ્ય જાહેર કર્યા બાદ વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા છે. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ પર બાઇડેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્થિતિ પર અમારી નજર રહેલી છે. સ્થિતિનું આકલન કર્યા બાદ અમારા દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવશે.
આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે, અમારા તરફથી રક્ષાત્મક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેની સાથે બે રશિયન નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત બાદ બાઇડેન દ્વારા કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમી દેશોની સાથે રશિયા હવે વધુ વ્યાપાર કરી શકશે નહીં. અમારી પાસે અનેક પગલા છે જે જરૂર પડતા ભરવામાં આવશે. જ્યારે પશ્ચિમી દેશો પાસેથી મળનારી સહાયતા પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે. જ્યારે રશિયા તરફથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. યુક્રેનની સરહદ પર સૈનિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે.
તેના સિવાય તેમને એ પણ જણાવ્યું છે કે, અમારા દ્વારા છેલ્લા બે દિવસમાં અનેક બેઠક કરવામાં આવી છે. રશિયા સામે જંગનો અમારો કોઈ ઈરાદો નથી. રશિયા દ્વારા યુક્રેનને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું છે. અમારી નજર રશિયાના આગામી પગલા પર રહેલી છે. તેની સિવાય યુક્રેનના રાષ્ટ્રપતિની સાથે અમારી સતત વાત પણ ચાલી રહી છે. અમે રશિયા યુક્રેન વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. અમે યુદ્ધ ટાળવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. રશિયા અને યુક્રેન તણાવ ઓછો કરે અને વિવાદ ઉકેલવાનો પ્રયત્નો સતત ચાલુ રહેશે.