ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટી-20 મેચમાં શાનદાર જીત મેળવવાની સાથે બનાવ્યો આ મોટો રેકોર્ડ
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાનું શાનદાર પ્રદર્શન સતત જોવા મળી રહ્યું છે. ટીમે બીજી ટી-20 માં વેસ્ટ ઇન્ડીઝને ૮ રનથી હરાવી દીધું હતું. તેની સાથે ટીમે ૩ મેચની સીરીઝમાં 2-0 ની અજેય લીડ પ્રાપ્ત કરી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને ઋષભ પંતે અડધી સદી ફટકારી હતી. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૩ વિકેટે ૧૭૮ રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ સામે સતત 10 દ્વિપક્ષીય સીરીઝ જીતી છે. તેમાં 2 ટેસ્ટ સીરીઝ, 4 વનડે સીરીઝ અને 4 ટી-20 સીરીઝનો સમાવેશ થાય છે.
આ અગાઉ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કેરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર ઈશાન કિશન માત્ર 2 રન બનાવીને શેલ્ડન કોટ્રેલની બોલ પર આઉટ થઈ ગયા હતા. કેપ્ટન રોહિત શર્માએ બીજી વિકેટ માટે વિરાટ કોહલીની સાથે 49 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્મા 19 રન બનાવી રોસ્ટન ચેજની બોલ પર આઉટ થઈ ગયો હતો. તેને બે ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલી જુના રંગમાં જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 41 બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 52 રનની ઇનિંગ રમી હતી. આ તેમની ટી-20 કારકિર્દીની 30 મી અડધી સદી રહી હતી.
છેલ્લી મેચના હીરો સૂર્યકુમાર યાદવ પણ જલ્દી આઉટ થઈ ગયા હતા. આ વખતે વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. ઋષભ પંતે માત્ર ૨૮ બોલમાં સાત ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 52 રનની ઇનિંગ રમી હતી. વેંકટેશ અય્યરે આજે ફિનીશરની ભૂમિકા નિભાવી હતી. તેમને 18 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૩ રનની ઇનિંગ રમી હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી સ્પિનર રોસ્ટન ચેજે 4 ઓવરમાં 25 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. શેલ્ડન કોટ્રેલ અને રોમારીયો શેફર્ડે એક-એક વિકેટ લીધી હતી.