અભિનેતા સોનુ સૂદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને જોયા બાદ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોના કારણે તે ચર્ચામાં આવી ગાય છે. વાસ્તવમાં આ વાયરલ વીડિયોમાં સોનુ સૂદ પોતે એક રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકની મદદ માટે આગળ આવ્યા અને તેને ખોળામાં લઈને હોસ્પિટલમાં પહોંચાડતા જોવા મળી રહ્યા છે. આ ઉમદા કામના કારણે અભિનેતા એક વખત ફરીથી માનવતાનું ઉદાહરણ રજૂ કરતા જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો પંજાબના મોગાનો છે.
આ વિડીયોને સોનુના ચેરિટી ફાઉન્ડેશન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “દરેક જીવન મહત્વ ધરાવે છે”. રિપોર્ટ મુજબ, આ ઘટના પંજાબના મોગાના ફ્લાયઓવર પર ઘટીહતી, ત્યાંથી સોનુ પસાર થઈ રહ્યો હતો. તેમને રોડની સાઈડમાં પડી રહેલી દુર્ઘટનાગ્રસ્ત કારને જોઈ તો તે યુવકની મદદ કરવાથી પોતાની જાતને રોકી શક્યા નહોતા અને તે પોતાના માણસોની સાથે યુવકને બચાવવામાં જોડાઈ ગયા હતા.
Every Life Counts ?@SonuSood pic.twitter.com/veu5M6fcqU
— Sood Charity Foundation (@SoodFoundation) February 9, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સોનુ કેટલાક લોકો સાથે મળીને બેભાન યુવકને કારમાંથી બહાર કાઢીને પોતાના ખોળામાં લઈને બીજી કારમાં શિફ્ટ કરતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે બ્લેક ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળી રહ્યા છે. સોનુનો આ વીડિયો લોકો ખૂબ શેર કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ, સોનુ સૂદ ઈજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલ લઈ ગયા હતા. યુવકને હોસ્પિટલમાં સમયસર સારવાર આપવામાં આવી હતી અને હવે તેની હાલત સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદ બોલીવુડમાં પોતાની અભિનયની સાથે તે પોતાની ઉદારતા માટે જાણીતા છે. તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મસીહા કહેવાય છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન અનેક લોકોની મદદ કરવા માટે તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. અભિનેતાના ચાહકો તેમને ‘રિયલ હીરો’ કહીને બોલાવે છે.