મહારાષ્ટ્રના પાલઘરમાં સાત વર્ષની બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત, આરોગ્ય વિભાગે આપી જાણકારી, જાણો શું છે તેના લક્ષણો….
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં સાત વર્ષની એક બાળકી ઝિકા વાયરસથી સંક્રમિત મળી આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી. એક વર્ષ બાદ રાજ્યમાં ઝીકા વાયરસના ચેપનો એક કેસ સામે આવ્યો છે. જીવલેણ ઝીકા વાયરસથી સંક્રમિત થયેલી આ છોકરી મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં આશ્રમશાળા (આદિવાસી બાળકો માટેની રહેણાંક શાળા) માં રહે છે.
રાજ્યના આરોગ્ય દેખરેખ અધિકારી પ્રદીપ અવાટેએ જણાવ્યું હતું કે, “છોકરીને તાવ હતો, ત્યારબાદ તેની તપાસ કરવામાં આવી હતી. અમને તેનો રિપોર્ટ 12 જુલાઈના મળ્યો હતો, જેમાં તે ઝિકા વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેનામાં હવે આ રોગના કોઈ લક્ષણો નથી અને તે ઠીક છે.” તેમણે કહ્યું કે, ઝિકા વાયરસનો કેસ સામે આવવાના કારણે, દેખરેખ, મચ્છરજન્ય ચેપ અટકાવવા, સારવાર અને આરોગ્ય શિક્ષણના સંદર્ભમાં નિવારક અને અન્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ ઝિકા વાયરસના લક્ષણો
તાવ
સાંધાનો દુખાવો
માથાનો દુખાવો
સ્નાયુમાં દુખાવો
ઉલટી થવી
નોંધનીય છે કે આ અગાઉ જુલાઈ 2021 માં રાજ્યના પુણેમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ઝીકા વાયરસ એડીસ એજીપ્ટી મચ્છરના કરડવાથી ફેલાય છે અને તેના પરિણામ સ્વરૂપ રોગના લાક્ષણિક લક્ષણોમાં તાવ, શરીરમાં દુખાવો અને આંખના ચેપનો સમાવેશ થાય છે.