ડેન્ગ્યુ થવાના કારણે વડોદરાની 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન સાક્ષી રાવલનું મોત
શહેરમાં ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન યુવતી સાક્ષી રાવલનું મોત કરુણ નીપજ્યું છે. વડોદરાના આજવા રોડ પર રહેનાર સાક્ષી રાવલ જુડો નેશનલ પ્લેયર હતી અને તેને વર્ષ 2019 માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. થોડા દિવસ અગાઉ સાક્ષી રાવલને તાવ આવતા તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
વડોદરાના આજવા રોડ ખાતે ખોડિયારનગર નજીક સયાજી ટાઉનશિપ નજીક રહેનાર સાક્ષી રાવલ બી. કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસમાં કરી રહી હતી. થોડા દિવસ અગાઉ તાવ આવતા સાક્ષી રાવલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં જાણવા મળ્યું કે તેને ડેન્ગ્યુ થયેલ છે.
સાક્ષી રાવલના પર્સનલ કોચે કહ્યું હતું કે સાક્ષી રમતગમતની સાથે-સાથે ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી. તે ખૂબ જ સરળ સ્વભાવની હતી. તે અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરી રહી હતી. નોકરીમાંથી થનારી આવકમાંથી તે માતાને મદદરૂપ થવાની સાથે-સાથે જુડોમાં આગળ વધવા માટે પણ ખર્ચ કરી રહી હતી. જયારે તે જુડોમાં માર્શલ આર્ટ સુધી પણ પહોંચી ગઇ હતી.
સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે અવસાન થતા જ તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તંત્ર અને આરોગ્યની બેદરકારીને કારણે સાક્ષીનો ભોગ લેવામાં આવ્યો છે. સાક્ષીનું ડેન્ગ્યુના કારણે મોત થતાં પરિવારજનો દ્વારા સારવારમાં બેદરકારીનો રખાઈ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 માં ઝારખંડ ખાતે યોજાયેલ નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં સાક્ષી રાવલ દ્વારા બ્રોન્ઝ મેડલ મેળવવામાં આવ્યો હતો. આ સિવાય તેણે સ્ટેટ લેવલની જુડો કોમ્પિટિશનમાં સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. તેની ઇચ્છા ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની હતી.