રશિયાએ પહેલા બોમ્બ ધડાકા બંધ કરે, પછી વાતચીત કરવા બેસે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું
રશિયાએ પહેલા બોમ્બ ધડાકા બંધ કરે, પછી વાતચીત કરવા બેસે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું
યુક્રેન (Ukraine) ના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskiy) એ મંગળવારે કહ્યું કે યુદ્ધવિરામ પર અર્થપૂર્ણ વાટાઘાટો શરૂ થાય તે પહેલાં રશિયાએ યુક્રેનિયન શહેરો પર બોમ્બમારો બંધ કરવો જોઈએ. જણાવી દઈએ કે આ અઠવાડિયે પ્રથમ રાઉન્ડની વાતચીતમાંથી કોઈ સાર્થક પરિણામ નથી આવી શક્યું. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં ઝેલેન્સકીએ નાટો સભ્યોને રશિયન એરફોર્સને રોકવા માટે નો-ફ્લાય ઝોન સ્થાપિત કરવા વિનંતી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં યુક્રેનની મદદ કરીને નાટો દેશો યુદ્ધમાં નહીં કૂદી પડે, પરંતુ તેઓ સુરક્ષા પગલાં વધારવા માટે કામ કરશે.
રશિયન સેનાના આક્રમણ (Russia-Ukraine War) પછી પણ ઝેલેન્સકીએ યુક્રેનની રાજધાની છોડવાનો ઇનકાર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેમનો દેશ નાટોમાં સામેલ ન હોય તો પણ તેમને તે તમામ દેશો તરફથી સુરક્ષાની નિશ્ચિત ગેરંટી જોઈએ છે. રશિયા સાથેની વધુ વાટાઘાટો અંગે, ઝેલેન્સકીએ રોઇટર્સ અને સીએનએનને કહ્યું કે રશિયાએ ઓછામાં ઓછું લોકો પર બોમ્બમારો કરવાનું બંધ કરવું જોઈએ, ફક્ત બોમ્બ ધડાકા બંધ કરે અને પછી વાટાઘાટના ટેબલ પર બેસવું જોઈએ.
અગાઉના દિવસે, યુએસ પ્રમુખ જૉ બિડેને, તેમના પ્રથમ સ્ટેટ ઑફ ધ યુનિયન સંબોધનમાં, તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન પર યુક્રેન સામે “પૂર્વયોજિત અને ઉશ્કેરણી વિનાનું” યુદ્ધ ચલાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે યુએસ તેમના દ્વારા ઊભા થયેલા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. બિડેને કહ્યું કે આપણે આપણા સમગ્ર ઇતિહાસમાં જે પાઠ શીખ્યા છે તે એ છે કે જ્યારે સરમુખત્યારો તેમના આક્રમણની કિંમત ચૂકવતા નથી, ત્યારે તેઓ વધુ અરાજકતા ફેલાવવાનું વલણ ધરાવે છે. તેઓ આગળ વધતા રહે છે અને અમેરિકા અને વિશ્વ માટે ખતરો વધતો જાય છે.
પુતિન પર કટાક્ષ કરતા બિડેને કહ્યું કે યુરોપમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે બીજા વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)ની રચના કરવામાં આવી હતી. અમેરિકા સહિત 29 અન્ય દેશો તેના સભ્ય છે. અમેરિકન મુત્સદ્દીગીરી મહત્વની છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે પુતિનનું યુદ્ધ પૂર્વ આયોજિત અને ઉશ્કેરણી વગરનું હતું. તેમણે મુત્સદ્દીગીરીના પ્રયાસોને નકારી કાઢ્યા. તેઓએ વિચાર્યું કે પશ્ચિમી દેશો અને નાટો જવાબ નહીં આપે. તેણે વિચાર્યું કે તે આપણા ઘરમાં જ આપણને ભાગ પાડી શકે છે. પુતિન ખોટા હતા. અમે તૈયાર છીએ.