- રાજકોટમાં લવરમૂછિયાએ ૭૨ કરોડની ખંડણી માગી
રાજકોટ શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં અપહરણ કર્યાં વગર જ એક લવરમૂછિયા ખંડણીખોરે ૭૨ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પારસ ઉર્ફે પરિયો મહેન્દ્રભાઈ મોણપરા નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે. ખંડણી માંગવા માટે પારસે જે પ્લાન ઘડ્યો હતો તેના વિશે સાંભળીને ભલભલા માંથું ખંજવાળે. પારસે રાજકોટના એક બિલ્ડરના ભાભીને વોટ્સએપ મેસેજ કરીને ૭૨ કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પારસે મહિલાની છોકરીને મારી નાખવાની ધમકી આપી હતી.
એક સમયે પારસ અને આ છોકરી સારા મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે. આ જ કારણ છે કે પારસ છોકરીના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે તમામ માહિતી જાણતો હતો. પારસ વૈભવી જીવન જીવવા માટે ટેવાયેલો છે. સમગ્ર મામલે વાતચીતમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવી જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે બાંધકામનો વ્યવસાય કરતા કિશોરભાઈ પરસાણા નામના શખ્સે ફરિયાદ નોંધાવી હતી. કિશોરભાઈ એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના વિધવા ભાભીના વોટ્સએપ પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો છે.
જે મેસેજમાં વ્યક્તિએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, જાે તું ૭૨ કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં. તારી ડેનિશા નામની છોકરી અમદાવાદમાં ક્યાં રહે છે તેની મને ખબર છે. ૭૨ કરોડ રૂપિયા આપી દે નહીં તો તેનું અપહરણ કરી જાનથી મારી નાંખીશ. વોટ્સએપ પર મેસેજથી કારણે ડરી ગયેલા પરસાણા પરિવારે થોડાક સમય પૂર્વે જ અમદાવાદ ગયેલી પોતાની વ્હાલસોયી દીકરી ડેનિશાને રાજકોટ પરત બોલાવી લીધી હતી.
બીજી તરફ સમગ્ર મામલે પીએસઆઇ હસમુખ ધાંધલીયા અને તેમની ટીમના રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઈ ચૌધરી, પ્રદિપસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર તેમજ શક્તિસિંહ ગોહિલ દ્વારા ખંડણીખોરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ખંડણીખોરનો જે મોબાઇલ નંબર ઉપરથી વોટ્સેપ મેસેજ આવ્યો હતો, તે મોબાઈલ નંબર બાબતે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી તમામ માહિતી એકત્ર કરવામાં આવી હતી. જે અંતર્ગત સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, જે મોબાઇલ નંબર ઉપરથી વોટ્સએપ મેસેજ આવ્યો છે તે મોબાઇલ નંબર રાજસ્થાનનો છે.