આજના ડિજિટલ ટેક્નોલોજીના જમાનામાં બધા લોકો હવે પૈસાની ચુકવણી પણ ઑનલાઇન ડિજિટલ કરવા લાગ્યા છે, જેના માટે બેંકો અને સરકાર દ્વારા પણ ગ્રાહકોને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે, જેના કારણે હાલના સમયમાં કેશલેસના ઉપયોગમાં વધારો થઇ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને હવે પંજાબ નેશનલ બેંક (PNB) અને બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડ એ સાથે ભાગીદારી કરીને લોકો માટે એક નવી સુવિધા જાહેર કરી છે.
પંજાબ નેશનલ બેંક (PNB) અને બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડ (PAL) એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યું છે. કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના RuPay પ્લેટફોર્મ પર ઓફર કરવામાં આવી છે અને આ બે વેરિયંટ – PNB RuPay પ્લેટિનમ અને PNB RuPay સિલેક્ટમાં ઉપલબ્ધ છે.
કેશબેક, લોયલ્ટી પોઈન્ટ્સ, ઈન્સ્યોરન્સ કવર સહિતના ઘણા બધા છે ફાયદા
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પતંજલિ પ્રોડક્ટ્સ ખરીદવા માટે ઉત્તમ ક્રેડિટ સેવા ઑફર કરે છે, આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ્સમાં કેશબેક, લોયલ્ટી પોઈન્ટ્સ, ઈન્સ્યોરન્સ કવર સહિતના ઘણા ફાયદાઓ મળે છે. કાર્ડ લૉન્ચ થયાના 3 મહિના માટે કાર્ડ ધારકોએ પતંજલિ સ્ટોર્સમાં 2500 રૂપિયા અને તેનાથી વધુના ટ્રાન્જેકશનો પર 2% કેશબેક મળશે. દરેક ટ્રાન્ઝેક્શન દીઠ કેશબેકની લિમિટ 50 રૂપિયા હશે.
કાર્ડ્સ પર મળશે EMI અને ઓટો-ડેબિટની સુવિધા
PNB RuPay પ્લેટિનમ અને PNB RuPay સિલેક્ટ કાર્ડધારકોને એક્ટીવેશન-ચાલુ કરવા પર 300 રિવોર્ડ પોઈન્ટ્સનું વેલકમ બોનસ મળશે. આ ઉપરાંત, ગ્રાહકોને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ લાઉન્જ એક્સેસ, કાર્ડ મેનેજમેન્ટ માટે PNB Genie મોબાઈલ એપ્લિકેશન, એડ-ઑન કાર્ડ ફેસિલિટી, ખર્ચ કરવા પર આકર્ષક રિવોર્ડ પોઈન્ટ્સ, EMI અને ઓટો-ડેબિટ જેવી ઘણી સુવિધાઓ મળશે.
કાર્ડધારકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ
પ્લેટિનમ અને સિલેક્ટ કાર્ડ્સ પર એક્સિડેન્ટલ મૃત્યુ અને વ્યક્તિગત કુલ અપંગતા માટે અનુક્રમે 2 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ પર 25,000 રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ મળશે. જયારે, સિલેક્ટ કાર્ડ પર 50,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ મળશે. પ્લેટિનમ કાર્ડ પર ઝીરો જોઇનિંગ ફી રાખવામાં આવેલ છે. જો કે, તેમાં 500 રૂપિયા વાર્ષિક ફી ચુકવવાની રહેશે. જયારે, સિલેક્ટ કાર્ડ પર 500 રૂપિયાની જોઇનિંગ ફી અને 750 રૂપિયાની વાર્ષિક ફી લાગશે.