ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા અને પ્રખ્યાત એવોર્ડ ઓસ્કારનું આયોજન લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં થયું હતું. 94 મા એકેડેમી એવોર્ડ્સમાં અનેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે, પરંતુ આ વર્ષના ઓસ્કાર એવોર્ડ્સના મંચથી બેસ્ટ સપોર્ટીંગ અભિનેતામાં એક બધિર અભિનેતા ટ્રોય કોટસરના નામની જાહેરાત કરવામાં આવી છે. CODA નાટકમાં તેમની સહાયક ભૂમિકા માટે તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. સમારંભમાં તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યું હતું.
ટ્રોય બોલી શકતા ન હતા તેથી તેણે ઈશારામાં જણાવ્યું હતું કે, આ પ્રવાસમાં અહીં પહોંચવું અદ્ભુત છે. તે કોઈ ચમત્કારથી ઓછું નથી અને હું વિશ્વાસ કરી શકતો નથી કે, હું અહીં છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ બહેરા અને મૂંગા લોકો અને CODA સમુદાયને સમર્પિત છે. તેમને પોતાના હોમ ટાઉન, માતા-પિતા, ભાઈ, પત્ની, પુત્રીનો પણ આભાર માન્યો છે. ઓસ્કાર મળ્યા બાદ ટ્રોય કોટસરનું ભાષણ પણ ચર્ચાનો વિષય બન્યું છે.
ટ્રોય કોટસરે CODA માં ફ્રેન્ક રોસીનું પાત્ર નિભાવ્યું છે, જેનો પરિવાર માછલીનો વ્યવસાય ચલાવે છે અને હવામાન પરિવર્તનને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઓસ્કાર પહેલા કોટસર બાફ્ટા અને એસએજી એવોર્ડ પણ જીતી ચૂક્યા છે.
તેમ છતાં આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ બહેરા અભિનેતાએ ઓસ્કાર જીત્યો હોય. આ અગાઉ માર્લી મેટલીને 1986 ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ચિલ્ડ્રન ઓફ અ લેસર ગોડમાં સારાહ નોર્મનની ભૂમિકા ભજવી હતી. માત્ર 18 વર્ષની ઉંમરે તેમણે આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ઓસ્કાર જીત્યો હતો. ઓસ્કાર જીતનાર તે પ્રથમ બધિર કલાકાર હતા.