- રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વખત દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે.
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એક વખત દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે. નામચીન રણજીત ખાચર નામના શખ્સે બંદૂક સાથે નીકળી આતંક મચાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. રાજકોટ શહેરમાં જાણે કે ખાખીનો ખૌફ ઓસરી રહ્યો હોય તે પ્રમાણે એક બાદ એક ગુનાખોરીના બનાવ સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોઠારીયા કોલોની વિસ્તારમાં બગીચામાં રમવા બાબતે બાળકો વચ્ચે તકરાર થઈ હતી. તે તકરારમાં નામચીન શખ્સ હાથમાં બંદૂક લઇ બધા બહાર નીકળો ભડાકે દઈ દેવા છે કહી સાગરીતો સાથે આતંક મચાવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ભક્તિનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે પૂર્વે રણજીત ત્યાથી નાસી છુટ્યો હતો. જોકે રણજીત ની લુખ્ખાગીરી ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. ત્યારે રણજીતની લુખ્ખાગીરી ના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.
ખભે બંદૂક રાખી નામચીન ગુંડાએ મચાવ્યો આતંક – દાદાગીરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ pic.twitter.com/yew9bTek8N
— Gujarat Coverage (@gujaratcoverage) March 20, 2021
બીજી તરફ સ્થાનિકોના નિવેદન તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આતંક મચાવનારા લુખ્ખા રણજીત ખાચર તેમજ તેના સાગરીતોની શોધખોળ પોલીસે શરૂ કરી છે. ત્યારે રણજીત ની દાદાગીરી મામલે ભક્તિનગર પોલીસ મથકમાં આઈપીસી ની કઈ કલમ હેઠળ તેમજ જી પી એક્ટ ની કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું રહ્યું.
સાથોસાથ આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તે પણ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ ભક્તિનગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મારામારીના ગુનામાં આરોપીઓએ પોતાના મિત્ર સાથે મળીને લોક-અપમાં હોય તે પ્રકારનો વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ તે વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ પણ કર્યો હતો. જે મામલે ભક્તિનગર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે કે બે આરોપીઓ અને ઝડપવાના હજુ પણ બાકી છે.