આર્થિક તંગીને લીધે સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ધંધો બંધ થયો અને ઘર વેચાયું પણ પૈસા ન મળ્યાં
- વડોદરાના સમા વિસ્તારમાં સામૂહિક આત્મહત્યાની ઘટના
- ઘટનામાં 3 ના મોત, 3 ની હાલત ગંભીર
વડોદરામાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના ઘટનાસ્થળે જ 3 સભ્યોના મોત થયા છે. જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે.
આર્થિક સ્થિતિ કથળી જતાં નરેન્દ્ર સોનીએ ઘર વેચી દેવું પડ્યું હતું. આઠ માસ પૂર્વે એમને આ મકાન 26 લાખમાં વેચી દીધું હતું એટલું જ નહીં પરિવારની હાલત એટલી હદે કથળી ગઈ હતી કે વેચેલા મકાનને બદલે સોસાયટીમાં જ અન્ય મકાનમાં ભાડે રહેવા જવું પડ્યું હતું. ઓછામાં પૂરતું પ્લાસ્ટિકનો પરચૂરણ ધંધો પણ ભાંગી પડતા દુકાન પણ વેચી દેવી પડી હતી. વેચેલા મકાનના અડધા નાણાં જ પરિવારજનોએ લીધા હોવાની વિગતો આવી છે બાકીના નાણા લેવાના બાકી હતા.
સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3ના મોત થયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે.
પરિવારે આર્થિક તંગીને પગલે મોત વ્હાલું કરવા પ્રયાસ કર્યો છે. જેમાં 3 હાલ સારવાર હેઠળ છે. તેઓ જે ઘરમાં રહેતા હતા તે શિવશક્તિ બંગલોમાં જ ઝેરી દવા ગટગટાવી હતી. સોની પરિવારે મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી હતી. જોકે આર્થિક સ્થિતિ કથળતાં તેમણે આખરે મોતનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો હતો. હાલ વડોદરા શહેર પોલીસનો કાફલો સોની પરિવારના ઘરે પહોંચી ગયો છે અને વધુ તપાસ કરી રહ્યો છે.