અમદાવાદસમાચાર

અમદાવાદ: પ્રેમ લગ્ન કરીને યુવતીને સિફતાઈથી છૂટાછેડા આપ્યા, છૂટાછેડા બાદ પત્નીને ગર્ભવતી બનાવી તરછોડી

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતીએ પોતાના પૂર્વ પતિ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. દલિત યુવતીએ પૂર્વ પતિ પર જાતિવાદી ઉચ્ચારણો કરવાનો પણ આરોપ મૂક્યો છે. હજુ જુલાઈ 2020માં જ યુવતીએ પ્રેમી સાથે લવમેરેજ કર્યા હતાં. જોકે, લગ્નના થોડા જ સમયમાં પતિએ તેની અસલિયત બતાવી હતી.

મહિલા પોલીસ સ્ટેશન પૂર્વમાં નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, તે અને તેનો પૂર્વ પતિ કામકાજના સ્થળે મળ્યા હતા અને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ તેમણે લગ્ન કરવાનું નક્કી કયુO હતું, અને ગયા વર્ષે જુલાઈ મહિનામાં પરણી ગયાં હતાં. જોકે, લગ્નના પાંચ જ દિવસમાં પતિએ ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરવાનું બંધ કરી દીધું હતું, અને સિંગર તરીકે કામ કરતી યુવતીને પણ કામ છોડવાનું કહી સ્પામાં નોકરી ચાલુ કરવા માટે કહ્યું હતું.

લગ્નજીવન બચાવવા માટે યુવતીએ પતિની વાત માની લીધી હતી. જોકે, ત્રણ મહિનામાં પતિએ નવો ધડાકો કરતાં કહ્યું હતું કે તેને દેવું થઈ ગયું છે, અને તેની ભરપાઈ કરવા માટે પૈસાની જરુર છે. જેના માટે યુવકે પત્નીને એવું કહ્યું હતું કે, તે ડિવોર્સ માટે તેના (પતિના) પરિવારજનો પાસેથી અઢી લાખ રુપિયા માગે. યુવકનો પ્લાન એવો હતો કે તેના માબાપ પાસેથી પત્ની અઢી લાખ રુપિયા ડિવોર્સ આપવા માટે લઈ લે, અને તે રુપિયા તેને પાછા આપી દે, જેનાથી તે દેવું ભરી દે અને ત્યારબાદ બે મહિના પછી તેઓ પાછા પરણી જશે. પતિનું દેવું ભરાઈ જાય તે માટે પત્ની પણ તેને અઢી લાખ રુપિયા માટે ડિવોર્સ આપવા માટે તૈયાર થઈ ગઈ હતી, અને તે અનુસાર યુવતીએ સાસરિયા પાસેથી રુપિયા લઈ પોતાના પતિને આપી દીધા હતા.

કાયદેસર રીતે છૂટાછેડા થઈ ગયા બાદ યુવક અવારનવાર પોતાની પૂર્વ પત્નીના ઘરે જતો હતો, અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જ્યારે યુવતીએ ફરી લગ્ન કરવાનું શું થયું તેવો સવાલ કર્યો તો યુવકે તેના માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, અને તેની સાથે જાતિવાચક શબ્દોનો ઉલ્લેખ કરી ગાળાગાળી કરી હતી.

યુવતીનો આક્ષેપ છે કે, પૂર્વ પતિએ તેને છૂટાછેડા બાદ પ્રેગનેન્ટ બનાવી દીધી હતી, અને ત્યારબાદ તેને ગર્ભપાત કરાવવા પણ ફરજ પાડી હતી. પૂર્વ પતિનો ભાઈ પણ પોતાને મારી નાખવાની ધમકી આપતો હોવાનું યુવતીએ પોલીસને જણાવ્યું છે. હાલ આ કેસની તપાસ એસસી/એસટી સેલને સોંપવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button