કોઈ ને દાન આપવાનું હોય ત્યારે રાખો આ વાત નું ધ્યાન તો તમને મળશે વધારે લાભ
મહાભારતમાં યુધિષ્ઠિર મહારાજા બન્યા હતા. તે સમયે એક ઘટના બની. એક બ્રાહ્મણના પિતાનું અવસાન થયું. બ્રાહ્મણે વિચાર્યું કે મારે પિતાના અગ્નિ સંસ્કાર ચંદનના લાકડા પર કરવા જોઈએ. પરંતુ તેને ચંદનના લાકડા ક્યાંય ના મળ્યા.
બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે ગયો અને કહ્યું મારે પિતાના અગ્નિ સંસ્કાર માટે ચંદનના લાકડા જોઈએ છે. યુધિષ્ઠિર પાસે કોઈ વાતની અછત નહોતી, પરંતુ તેમણે કહ્યું, વરસાદને લીધે બધા ચંદનના લાકડા પલળી ગયા છે. આવા લાકડા પર અગ્નિ સંસ્કાર નહીં થાય.
આ સાંભળીને બ્રાહ્મણ ઉદાસ થઈ ગયો. એ પછી તે કર્ણ પાસે ગયો. કર્ણ પાસે પણ ચંદનમાં લાકડા વરસાદને લીધે ભીના થઈ ગયા હતા. આ વાત જાણીને બ્રાહ્મણ ત્યાંથી જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં કર્ણએ તેને રોક્યો અને કહ્યું. મારા દ્વાર પરથી કોઈ વ્યક્તિ ખાલી હાથે ના જઈ શકે. મારું રાજ સિંહાસન ચંદનના લાકડાથી બન્યું છે. તે હજુ પણ સૂકું છે.
કર્ણએ કારીગરોને બોલાવ્યા અને કહ્યું, આમાંથી લાકડા કાઢીને આ બ્રાહ્મણને આપી દો. કારીગરોએ લાકડા બ્રાહ્મણને આપ્યા અને તેણે પિતાને અંતિમ વિદાય ચંદનના લાકડા પર આપી.
તે સમયે ચર્ચાઓ થવા લાગી કે દાનવીરનો અર્થ યુધિષ્ઠિર છે કે પછી કર્ણ? ચંદનનાં લાકડાની સિંહાસન તો યુધિષ્ઠિર પાસે પણ હતું. પરંતુ તેમણે વિચાર્યું નહીં. ઉદારતા મામલે તેઓ કર્ણથી પાછળ રહી ગયા.