ભારતે કોલકાતામાં રમાયેલી ટી૨૦ સીરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે મેળવી રોમાંચક જીત, મેચમાં આ સ્ટાર બોલરની રહી બોલબાલા
ભારતે કોલકાતામાં રમાયેલી ટી૨૦ સીરીઝ પ્રથમ અને રોમાંચક મેચમાં વેસ્ટ ઇન્ડીઝને છ વિકેટથી હરાવી દીધું હતું. વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક ઈનિંગ્સના આધારે શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. અંતમાં વેંકટેશ અય્યરે પણ શાનદાર બેટિંગ કરી હતી. ભારત તરફથી ડેબ્યૂ મેચ રમનાર યુવા બોલર રવિ બિશ્નોઈએ બે વિકેટ પોતાના નામે કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ બંને બેટ્સમેનોએ ભારતને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે વિસ્ફોટક ઇનિંગ રમતા 19 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 સિક્સ અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ઈશાન કિશાને 42 બોલમાં 35 રન બનાવ્યા હતા.
ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 13 બોલમાં 17 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માત્ર 8 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. અંતમાં સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી દીધી હતી. સૂર્યકુમારે 18 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેણે 5 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે વેંકટેશ અય્યરે 13 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા અને મેચ જીતી લીધી હતી.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યા હતા. ટીમ માટે નિકોલસ પૂરને શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 43 બોલમાં 61 રન ફટકાર્યા હતા. પૂરનની ઇનિંગમાં 5 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે. મેયર્સે પણ સારી બેટિંગ કરી હતી. તેણે 31 રનનું યોગદાન આપ્યું હતું. આ સાથે કેરોન પોલાર્ડ અંતમાં 24 રન બનાવીને અણનમ રહ્યા હતા.
ભારત માટે ડેબ્યૂ મેચ રમી રહેલા રવિ બિશ્નોઈએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સાથે જ હર્ષલ પટેલે 37 રનમાં બે વિકેટ પ્રાપ્ત કરી હતી. ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને દીપક ચહરને પણ એક-એક સફળતા પ્રાપ્ત થઈ હતી.