વેક્સિન પૂરી પાડીને ભારત વિશ્વની સેવા કરે છે: મોદી
- દુનિયામાં ભારત પોતે જ એક આગવી બ્રાન્ડ તરીકે ઉભરી ચુક્યું છે.
- દેશ ઉંચાઈઓને સ્પર્શી રહ્યાનો મોદીનો દાવો.
બજેટ અંગેના વેબિનારને સંબોધિત કરતા પીએમ મોદીએ આજે કહ્યુ હતુ કે, ભારત જે રીતે કોરોના વેક્સીન પૂરી પાડીને સમગ્ર દુનિયાની વિનમ્ર બનીને સેવા કરી રહ્યુ છે તેનાથી દુનિયામાં ભારત પોતે જ એક આગવી બ્રાન્ડ તરીકે ઉભરી ચુક્યુ છે. ભારતની સાખ અને ઓળખ નવી ઉંચાઈઓને સ્પર્શી રહી છે. તેમણે કહ્યુ હતુ કે, મારી સરકાર માને છે કે દરેક વસ્તુમાં સરકારની દખલના કારણે સમાધાનની જગ્યાએ સમસ્યાઓ વધારે પેદા થાય છે.
દેશનુ બજેટ અને દેશ માટે બનનારી નીતિ માત્ર સરકારી પ્રક્રિયા ના બની રહે અને દેશના વિકાસમાં સામેલ દરેક ક્ષેત્રનુ તેમાં ઈન્વોલ્મેન્ટ હોય તેવો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, પીએલઆઈ સ્કીમ જે સેક્ટર માટે લોન્ચ કરાઈ છે તેને તો લાભ થઈ જ રહ્યો છે પણ આ સેક્ટરની સાથે જોડાયેલી ઈકો સિસ્ટમને પણ ફાયદો થઈ રહ્યો છે. પીએલઆઈ સ્કીમના કારણે ઓટો પાર્ટસ, મેડિકલ ટૂલ્સ અને દવાઓના રો મટિરિયલ સાથે જોડાયેલી વિદેશી નિર્ભરતા બહુ ઓછી થઈ જશે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, ભારતમાંથી વેક્સિનના લાખો ડોઝ લઈને જે રીતે દુનિયાભરમાં જઈ રહ્યા છે તે પાછા આવે છે ત્યારે ખાલી નથી આવતા પણ ભારત પ્રત્યે દુનિયાના બીજા દેશના વધી રહેલા ભરોસા, આત્મિયતા, સ્નેહ અને આશીર્વાદ લઈને પાછા આવી રહ્યા છે.