ચીનમાં બે વર્ષ બાદ એક દિવસમાં સામે આવ્યા 3400 નવા કેસ, આ શહેરોમાં સ્કૂલોને પણ કરાઈ બંધ
ચીનમાં એક વખત ફરીથી કોરોના વાયરસની ભયાનક એન્ટ્રી થઈ ગઈ છે. નેશનલ હેલ્થ કમિશન મુજબ, રવિવારના અહીં લગભગ 3400 નવા કેસ સામે આવ્યા છે. શનિવારની સરખામણીમાં આ કેસ બમણાથી પણ વધુ રહેલા છે. આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસોએ એક વખત ફરીથી આરોગ્ય અધિકારીઓની ચિંતા વધારી દીધી છે. અહેવાલો મુજબ, ચીનના કેટલાક શહેરોના ઘણા ભાગોને ધીમે-ધીમે બંધ કરવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ્સ મુજબ, ચીનમાં લગભગ બે વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં દૈનિક કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ ચીનના શાંઘાઈ શહેરમાં શાળાઓને બંધ કરી દેવામાં આવી છે અને ઘણા શહેરો પણ બંધ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ, કેટલાક શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવેલ છે.
ચીનના ઘણા શહેરોમાં કોરોના ચેપ ફેલાઈ રહ્યો છે. લગભગ અડધો ડઝન શહેરોમાં કેસ સામે આવ્યા છે. મોટાભાગના કેસો જીલિન શહેરમાંથી આવ્યા છે. શનિવારના રોજ 1412 કેસ સામે આવ્યા છે. જ્યારે, અલગ-અલગ શહેરોમાં પણ ચેપ વધી રહ્યો છે.
ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોએ ભારતમાં પણ આરોગ્ય અધિકારીઓને એલર્ટ કરી દીધા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3116 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, હવે દેશમાં 38069 સક્રિય કોરોના દર્દીઓ રહેલા છે. જ્યારે અત્યાર સુધીમાં 4.24 કરોડ લોકો સાજા પણ થયા છે. જ્યારે પાંચ લાખથી વધુ લોકોની કોરોનાના કારણે મોત થઈ ગઈ છે.