ચોમાસાની શરૂઆત થતાં જ સાંજે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે આહલાદક વાતાવરણની સાથે રસ્તાઓ પર પાણી ભરાયાનો નજારો પણ જોવા મળ્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે છેલ્લા કેટલાય દિવસોથી ભેજ અને ગરમીથી પરેશાન લોકોએ હવામાનમાં આવેલા આ બદલાવથી રાહતનો શ્વાસ લીધો હતો. શનિવારે જૂનાગઢમાં પણ મોસમનો પ્રથમ વરસાદ નોંધાયો હતો. શહેરમાં ગરમીથી અસ્વસ્થ લોકોને રાહત મળી હતી, જ્યારે રસ્તાઓ પર ઉડતી ધૂળ શાંત થઈ હતી.
રાજકોટમાં મે માસમાં પ્રિમોન્સૂન વરસાદ પછી આજે ફરી એક વાર વિજળીના પ્રચંડ અવાજો સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી અને માર્ગો પર પસાર થતા લોકો ભીંજાયા હતા. વરસાદ પડતા જ વાતાવરણમાં માટીની સુગંધ પ્રસરી ગઈ હતી. પહેલા વરસાદને કારણે વૃક્ષો અને છોડ પાણીથી ધોવાઈ ગયા હતા, જેના કારણે તેઓ સ્વચ્છ દેખાવા લાગ્યા હતા, જ્યારે ચારે તરફ ઠંડકનો માહોલ સર્જાયો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીના કારણે માણસો સહિત વૃક્ષો, છોડ અને પ્રાણીઓ પણ પરેશાન થઈ ગયા હતા. વરસાદથી ચારે બાજુ ખુશનુમા વાતાવરણ છવાઈ ગયું હતું. જે દિવસભરના અસહ્ય બફારા બાદ સાંજે હવામાન પલટાયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.