સમાચાર

સી.આર.પાટીલની તુલના સોનૂ સુદ સાથે કરી ધારાસભ્ય હર્ષ સંઘવીએ લખ્યો પત્ર, જુઓ લેટર

ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ લખેલો પત્ર શબ્દશઃ

વ્હાલા મારા સુરતીઓ,

આજે આખાય દિવસના અનુભવોને આધારે આપને પત્ર લખીને મારી વ્યથા જણાવવા માંગુ છું. આમ પણ આપ સહુ મારા સુખ અને દુઃખના સાથી રહ્યા છો. સારા કામ માટૅ હંમેશા પ્રેમ અને શુભકામનાઓ પાઠવી છે તો જે ત્રુટિઓ મારી કામગીરીમાં છે એની સમીક્ષા કરીને સતત મને મઠાર્યો છે. એટલે આપને સ્વજન જાણી આ પત્ર લખું છું.

ગઈકાલે જે કાર્ય માટૅ પ્રંશસા થતી હતી તે જ કાર્ય માટે આજે કેટલાક વિઘ્નસંતોષીઓ ટીકા કરતાં હતાં ત્યારે વ્યથાની લાગણી અનુભવું છું. સમાજ માટે સદૈવ તત્પર રહેતાં આપણા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલ સાહેબ જ્યારે આવી કપરી પરિસ્થિતિમાં લોકોની વેદનાને સમજીને એમની તકલીફો દૂર કરવા માટે ઈંજેકશનો પૂરા પાડવા માટે પ્રયત્નશીલ બને તો એ કામ માટે માનનીય સી. આર. પાટીલ સાહેબની ટીકા વાજબી છે કે પછી એમના પ્રત્યે આભારી થવું લાક્ષણિક છે?

મારા કેટલાક સાહજીક પ્રશ્નો છે. ઈન્જેકશન વેચાણથી આપ્યા? કેટલા રુપિયાની એમાંથી કમાણી પાર્ટી કે કોઈ નેતાએ કરી? ઈંજેકશનના વિતરણ માટૅ વ્યવસ્થા ગોઠવી દર્દીઓના સગાઓને ઈંજેકશન પૂરા પડાયા તો એમના ચહેરા પરનો સંતોષ શું નિરર્થક હતો? કલાકો તડકે ઈંજેકશન માટે લાઈનમાં ઊભા રહેતાં સગા સંબંધીઓ પર શું વીતે છે તે વિઘ્નસંતોષીઓને શું ખબર પડે? એવા કેટલા દર્દીઓના સગાઓના બદલે ખુદ ઈન્જેકશન માટૅની લાઈનમાં એ વિઘ્નસંતોષીઓ ઊભા રહ્યા? કેટલી વખત સિવિલ હોસ્પિટલમાં વિઝીટ કરી અને લોકોને એમના હાલચાલ પૂછ્યા? (આ સવાલો વાંચ્યા બાદ વિઘ્નસંતોષીઓ સેવા માટે આવે તો માનજો કે હવે દેખાડો કરવા આવ્યા કે તેઓને લોકોની ખરેખર ફિકર છે.)

આ કામગીરી તો અમારી ફરજ હતી છે અને રહેશે. આ વિઘ્નસંતોષીઓમાં જો લોકોને ભરોસો હોત તો આજે તેઓ ઘરે ન બેઠાં હોત. જબરું છે નહિ? આવી જ કામગીરી સોનુ સુદ કરે તો એ રિયલ હિરો અને જો એક રાજકારણી કરે તો એ વાહ વાહી લૂંટવા માટૅનો અભિગમ? કેમ ભૂલી જઈએ છીએ કે લોકડાઉન વખતે શ્રમિકોને પરત વતન મોકલવા માટૅ સુરતથી ટ્રેનનો પ્રારંભ કરાવવામાં પણ માનનીય સી. આર. પાટીલ સાહેબની મહત્વની ભૂમિકા હતી. અને લાખો લોકોને ભોજન પંહોચાડવાનું ભગીરથ કાર્ય, સિવિલ હોસ્પિટલમાં બેડની ક્ષમતા વધારવાનું, યુવાનોને પ્રેરિત કરી કોવિડ હોસ્પિટલો શરુ કરવા માટૅ, કોવિડ કેર સેંટર શરુ કરવા માટૅ આર્થિક, મેનપાવર, અને ઓક્સિજન, દવા જેવી સગવડો ઊભી કરવામાં સતત આગળ પડતી ભૂમિકા ભજવવી.

આ સમય કાવાદાવાનો નથી. સાથ અને સહકારનો છે. એકમેકને હૂંફ આપવાનો અને પડખે ઊભા રહેવાનો છે. આવી ટીકાઓથી, મુશ્કેલી ઊભી કરનારાઓથી અમે જરાય ઉદાસ નહિ થઈએ. કારણ કે તેઓ છે તો જ અમને અમારા કામ બહેતર કરવા માટૅની સૂઝ અને મક્કમતા મળે છે.

વિઘ્નસંતોષીઓને એમની નકારાત્મકતા મુબારક. મારા સુરતીઓની સુરતને ખૂબસુરત બનાવવા માટેની જીદ એ જ અમારી મૂડી અને તાકાત છે.

લિ.

હર્ષ સંઘવી.

[quads id=1]

Related Articles

Back to top button