ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ પાર્ટીઓના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ નેતાઓ પણ એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવવા-જવા લાગ્યા છે. એવામાં સમાચાર સામે આવ્યા છે કે, અભિનેત્રી રિમી સેન કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગઈ છે. અભિનેત્રી રિમી સેન ઉત્તરાખંડમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ છે આ જાણકારી હરીશ રાવત દ્વારા આપવામાં આવી છે.
હરીશ રાવત દ્વારા ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે રિમી સેનનો છે. આ વીડિયોમાં રિમી સેન હરીશ રાવત સાથે જોવા મળી રહી છે. આ વીડિયો સાથે હરીશ રાવતે જણાવ્યું છે કે, ‘ભારતીય ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી અને ભાજપની ભૂતપૂર્વ સ્ટાર પ્રચારક આજે કોંગ્રેસમાં જોડાઈ રહી છે, પરિવર્તનને હવા આપવા માટે રિમી સેન ઉત્તરાખંડ આવી છે. હું તેમનું સ્વાગત કરું છું અને ઉત્તરાખંડ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે તેમને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ કરીને આનંદની અનુભતી થઈ રહી છે.
રિમી સેન વર્ષ 2017 માં ભાજપ પાર્ટીમાં જોડાઈ હતી. તે ભાજપની સ્ટાર પ્રચારક પણ હતી. પરંતુ હવે તે ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાઈ ગઈ છે. કોંગ્રેસમાં જોડાયા બાદ રિમી સેને જણાવ્યું છે કે, ઉત્તરાખંડના લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આ દરમિયાન રિમી સેને જનતાને હરીશ રાવતને જીતાડવાની અપીલ પણ કરી હતી.
રિમી સેનની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે ‘ગોલમાલ’, ‘હંગામા’, ‘દીવાને હુએ પાગલ’, ‘ધૂમ 2’, ‘ફિર હેરા-ફેરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ તમામ ફિલ્મોમાં રિમી સેનની એક્ટિંગ ચાહકોને પસંદ આવી હતી. તેમ છતાં તે ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર રહેલી છે.