રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)- રાજકોટની ટીમે ટ્રેનમાંથી બેટરીના કેબલ અને નટ-બોલ્ટની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી 27 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ગઈકાલે RPFને રાજકોટ-રેવા સુપર ટ્રેન નંબર 22937ના છ કોચમાં 300 નંગ ઇન્ટર સેલ કનેક્ટર કોપર કેબલ અને બેટરીના નટ બોલ્ટ સહિત 27,600 રૂપિયાની ચોરી થયાની માહિતી મળી હતી. માહિતીના આધારે RPF ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર ઋષિકાંત રાય અને RPF રાજકોટના પોલીસ ઈન્સ્પેક્ટર પંકજ ધાકડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
શંકાસ્પદને શોધી કાઢવા અને કડીઓ મેળવવા માટે ડોગ સ્ક્વોડને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. બાદમાં, ગોપનીય સ્ત્રોતોમાંથી માહિતી ચોરીના 05 આરોપીઓમાંથી અને ડોગ સ્કવોડની મદદથી 3 આરોપીઓ અને 1 રીસીવરની 27,000 રૂપિયાના કન્સાઈનમેન્ટ સાથે ધરપકડ કરવામાં આવી હતી. હાલ 2 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. વધુ તપાસ આરપીએફ રાજકોટ સબ ઈન્સ્પેક્ટર નાઝનીન મન્સુરી ચલાવી રહ્યા છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. રાજકોટના ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલ કુમાર જૈન અને વિભાગીય સુરક્ષા કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે રેલ્વેમેનોની સમજની પ્રશંસા કરી છે.