કોરોનાએ બ્રેક કર્યા બધા રેકોર્ડ, ભારતમાં 24 કલાકમાં આવ્યા 3.94 લાખ કેસ, 3388 ના મોત, મહારાષ્ટ્રમાં વધ્યો મૃત્યુઆંક
ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર વધતો જઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સંક્રમણના નવા કેસોની સંખ્યા દરરોજ સાડા ત્રણ લાખથી ઉપર જ છે. શુક્રવારે મોડી રાતનાં આંકડા મુજબ, દેશભરમાં રેકોર્ડ 3.94 લાખ નવા કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 32 લાખને વટાવી ગઈ છે અને ચેપગ્રસ્ત કેસની કુલ સંખ્યા 1.91 કરોડને વટાવી ગઈ છે.
3,388 લોકોનાં થયાં મોત: શુક્રવારે મોડી રાત સુધીમાં 3,388 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોનો કુલ આંકડો 2.11 લાખને પાર કરી ગયો છે. શુક્રવારે સવારે આઠ વાગ્યા સુધીના મંત્રાલયના આંકડા અનુસાર, 24 કલાકમાં 3,498 દર્દીઓનાં મોત થયાં છે. રાષ્ટ્રીય સ્તરે, સ્વસ્થ થવાનો દર 90 ટકાથી નીચે પહોંચી ગયો છે. 1.56 કરોડથી વધુ ભારતીયોએ કોરોનાને હરાવ્યો છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહત એ છે કે દેશમાં મૃત્યુ દર 1.1 ટકા છે, જે અન્ય ઘણા દેશોની સરખામણીએ ઘણું ઓછું છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત: મોડી રાતનાં આંકડા મુજબ, શુક્રવારે માર્યા ગયેલા 3,,388 લોકોમાંથી મહારાષ્ટ્રમાંથી 828, દિલ્હીથી 375, ઉત્તર પ્રદેશમાંથી 332, કર્ણાટકમાંથી 217, છત્તીસગઢ માંથી 269, ગુજરાતમાંથી 173 અને રાજસ્થાન માંથી 155 કેસ નોંધાયા છે.
રાજ્ય-નવા કેસો-કુલ સંક્રમિત (લાખોમાં)
મહારાષ્ટ્ર – 62,919-46.02
કર્ણાટક – 48,296-15.23
કેરળ – 37,199-15.71
ઉત્તર પ્રદેશ – 34,372-12.52
દિલ્હી – 27,047-11.49
તમિળનાડુ – 18,692-11.66
બંગાળ – 17,411-8.28
આંધ્રપ્રદેશ – 17,354-11.01
રાજસ્થાન – 17,155-5.98
બિહાર 15,853-4.70
મહારાષ્ટ્રમાં કેસ ઘટ્યા, મોતનો આંક વધ્યો
શુક્રવારે મહારાષ્ટ્રમાં 62,919 નવા કેસ નોંધાયા છે. જે ગુરુવારના 66,159 ની સરખામણીએ થોડું ઓછું છે. જોકે, શુક્રવારે મૃત્યુઆંક વધુ હતો. શુક્રવારે 818 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ગુરુવારે આ સંખ્યા 771 હતી. રાજ્ય માટે રાહતની વાત એ પણ છે કે અહીં સુધરી રહેલા લોકોની સંખ્યા નવા કેસો કરતા વધારે હતી. શુક્રવારે રાજ્યમાં 69 હજારથી વધુ લોકો સાજા થયા હતા. જયારે ગુજરાતમાં શુક્રવારે 14,605 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોઈ પણ એક દિવસમાં નોંધાયેલી આ સૌથી વધુ સંખ્યા છે.
અત્યાર સુધીમાં 15.48 કરોડથી વધુની રસી આપવામાં આવી છે
દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 15.48 કરોડથી વધુ રસી રસી આપવામાં આવી છે. શુક્રવારે રાત્રે 8 વાગ્યા સુધી એક દિવસમાં 26 લાખથી વધુ રસી આપવામાં આવી હતી. સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ 15,48,54,096 રસી આપવામાં આવી છે. આમાંથી, 94,10,892 આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 62,40,077 કર્મચારીઓએ બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. આ જ રીતે, પ્રથમ ડોઝ ફ્રન્ટલાઈન 1,25,48,925 કર્મચારીઓને આપવામાં આવી છે અને 68,11,824 કર્મચારીઓને બંને ડોઝ આપવામાં આવ્યા છે.