મહારાષ્ટ્રમાં 70 સહિત દેશની 500 વેબસાઈટ પર કરવામાં આવ્યો સાઈબર હુમલો, આ દેશના હેકર્સોએ કર્યો હુમલો….
દેશમાં મંગળવારે મોટો સાયબર હુમલો થયો હતો. દેશની 500 થી વધુ વેબસાઈટ હેક કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્રની થાણે પોલીસની સાઇટ સહિત 70 વેબસાઇટનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણ સરકારી છે. આ મામલામાં મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્ર સાયબર સેલના એડીજી મધુકર પાંડેએ જણાવ્યું છે કે, અમે ઘણી બધી વેબસાઈટ રિસ્ટોર કરી લીધી છે. ઘણા લોકો માટે પુનઃસ્થાપન કરવા માટે કાર્ય ચાલી રહ્યું છે. ખાનગી યુનિવર્સિટીઓની વેબસાઈટ હેક કર્યા બાદ રાજ્યની 70 થી વધુ વેબસાઈટ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમાંથી ત્રણ સરકારી હતી. હેક થયેલી વેબસાઇટ્સની સંખ્યા 500 થી વધુ છે.
ADG પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં ચાલી રહેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે ઘણા સાયબર હેકર્સ દ્વારા મળીને આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશમાં ઘણી વેબસાઇટ હેક કરવામાં આવી છે. આ કેસમાં બે દેશો મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સના નામ સામે આવી રહ્યા છે. આ ગેંગ ભારતમાં સક્રિય છે કે નહીં તે અંગે અમને હજુ સુધી જાણકારી મળી નથી.
થાણે પોલીસના ડીસીપી સાયબર સેલ સુનીલ લોખંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે લગભગ ચાર વાગે પોલીસની વેબસાઈટ હેક કરવામાં આવી હતી. ટેકનિકલ નિષ્ણાતોએ ડેટા અને વેબસાઇટ પુનઃસ્થાપિત કરી લીધો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના ગૃહ વિભાગે રાજ્યના સાયબર સેલને સરકારી વેબસાઇટ અને અન્ય હેકિંગની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. થાણે પોલીસની વેબસાઈટ હેક કરવા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.