ભાજપ સરકારની નીતિઓ ગરીબ અને મધ્યમ વર્ગ વિરોધી છે : સાગર રબારી
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી એ GST ના મુદ્દે ચાલી રહેલા વેપારીઓ ના વિરોધ પ્રદર્શન ને સમર્થન આપતા જણાવ્યું કે, વેપારીઓના હિત માટે જે વિરોધ ચાલી રહ્યો છે તેને આમ આદમી પાર્ટી સંપૂર્ણ સમર્થન આપે છે.GST ના દરો માં વધારો કરીને કેન્દ્ર સરકારે ફરી એકવાર પોતાનો જનવિરોધી ચહેરો બધાની સામે રાખ્યો છે. હવે દહીં, લસ્સી, પનીર, ગોળ, ખાંડ અને છાશ જેવી આવશ્યક વસ્તુઓ પર 5% GST લાદવામાં આવ્યો છે. આ સિવાય જૂતા પર 5% GST ને 12% કરવામાં આવ્યો છે. આ બધું દેશની દરેક વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે. આ બધી વસ્તુઓ પર આવો ટેક્સ લાદવાનો અર્થ એ છે કે પ્રજાને જાણી જોઈને આર્થિક મુશ્કેલીમાં ધકેલી દેવામાં આવી છે. આ રીતે જનતા પર સતત બોજ નાખવાથી એ સ્પષ્ટ થાય છે કે કેન્દ્રની ભ્રષ્ટ ભાજપ સરકાર પ્રજાને લૂંટવું જ જાણે છે.
સાગર રબારી એ વિસ્તૃત માં જાણકારી આપતા જણાવ્યું કે, GST કાઉન્સિલ ના નિર્ણય અનુસાર અગાઉથી પેક કરેલા લેબલ મારેલા દહીં, પનીર, મધ વગેરે ઉપર 5% GST લાગશે. કોઈ બ્રાન્ડ વગરના, સાદા લોટ અને ચોખા ઉપર 5% GST લાગશે. અત્યાર સુધી બેંક દ્વારા ચેકબુક આપવા સામે લેવાતા સર્વિસ ચાર્જ ઉપર કોઈ GST નહોતો પરંતુ હવે બેંક ખાતા ધારક પાસેથી જે ચાર્જ વસુલે છે એના ઉપર વધારાનો GST વસૂલશે. આ સ્પષ્ટ કરે છે કે મધ્યમવર્ગ માટે બેન્ક સેવાઓનો ઉપયોગ કરવો જેટલો છે તેનાથી વધુ મોંઘો બનશે. સૂકા વાલ વગેરે કઠોળ, ઘઉં અને બીજા અનાજ, ગોળ, મમરા અને ઓર્ગેનિક ખાતરો ઉપર હવે 5% GST લાગશે.
પ્રિન્ટિંગ, લખાણ અને ચિત્રો દોરવાની શાહી, કેટલાક ચપ્પુ, ચમચા, ટેબલ ક્લોથ, ડેરી ઉદ્યોગ માટેની મશીનરી, એલ.ઈ.ડી. લેમ્પ, અને ચિત્રો દોરવાના સાધનો ઉપર GST ના દર 12% થી વધારીને 18% કરવામાં આવશે. અત્યાર સુધી હોટલના રૂમ જેના ભાડા 1000/- રૂપિયાથી નીચે હતા અને તે GST ના દાયરાની બહાર હતા, પરંતુ હવે 1000/- રૂપિયાથી નીચેના ભાડાના રૂમ જેનો સામાન્ય રીતે માર્કેટિંગ કરતા નોકરિયાતો અને મધ્યમ વર્ગના પરિવારો પોતાના ધાર્મિક યાત્રા પ્રવાસો દરમિયાન વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે તેને પણ 12% GST દરમાં સામેલ કરવામાં આવ્યા છે. આમ, GST કાઉન્સિલમાં, ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર બહુમતીના જોરે, મનફાવે તેવા નિર્ણયો થોપી રહી છે અને દેશના મધ્યમ તેમજ ગરીબ વર્ગ નું જીવવું હરામ કરી રહી છે.
કરિયાણાની ચીજવસ્તુઓ પર 5% GST સામે રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે અને બજારો પણ બંધ રાખવામાં આવ્યા છે. રાજકોટ, જામનગર, બરોડા, વલસાડ, મહેસાણા, પોરબંદર સહિતની મુખ્ય અનાજ બજારો આજે ખાલી જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોને બરબાદ કરવાનું જે કારનામું કર્યું છે તે લોકો સમજી ગયા છે. જે રીતે GST નો અમલ કરવામાં આવી રહ્યો છે અને વેપારીઓ દ્વારા જેમ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્રની ભાજપ સરકાર વેપારીઓને સાથે લઈને નથી ચાલી રહી અને તેમની તમામ નીતિઓ અસફળ સાબિત થઈ રહી છે.
દેશમાં લોકો પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહ્યા છે અને કેન્દ્રની ભાજપ સરકારે લોકોની મુશ્કેલીઓ ઘટાડવા ને બદલે વધારી દીધી છે. જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે ત્યારથી તેઓ એ લોકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે આવા કોઈ સકારાત્મક નિર્ણયો લીધા નથી. આજે ખાદ્યપદાર્થો પર GST લાદીને કેન્દ્ર સરકારે સાબિત કર્યું છે કે તેઓ જનતાને શાંતિથી ખાવા પણ નહીં દે. ખાણી-પીણીની આ મહત્વની ચીજો પર આ રીતે ટેક્સ વધારીને કેન્દ્રની મોદી સરકારે એ વાત સાચી સાબિત કરવાનું નક્કી કર્યું છે કે , “ના ખાઉંગા ના ખાને દુંગા”.
ડેરી ઉદ્યોગમાં વપરાતી દૂધ નીકળવાની મશીન પર 18% GST લાદીને ગુજરાતના ડેરી ઉદ્યોગ પર મોટો હુમલો કર્યો છે. આજે ગુજરાત દૂધ ઉત્પાદન માટે જાણીતું છે, પરંતુ ભાજપ સરકાર કદાચ ‘દેશના વેપારીઓ હોય કે દૂધનું ઉત્પાદન કરતા ખેડૂતો હોય’ બધાનો ધંધો બંધ કરવાની હોય એવું લાગી રહ્યું છે.
જેના પર ટેક્સ લાદવામાં આવ્યો છે અને ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, નાના વેપારીઓ મોટાભાગની એ જ બધી વસ્તુઓ નો વ્યવસાય કરે છે. જવ, બાજરી, મકાઈ, ઘઉં, મેંદા જેવી વસ્તુઓ ઉપરાંત નમકીન, ભુજિયા જેવી વસ્તુઓ પર 5% GST લાદીને કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગરીબ ના મોંઢા માંથી કોડિયું છીનવી રહ્યા છે. ખેડૂતો, બેરોજગારો, અગ્નિવીર અને હવે વેપારીઓ પણ સતત કેન્દ્રની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે, આ દર્શાવે છે કે આજે દેશમાં દરેક વ્યક્તિ કેન્દ્રની ભાજપ સરકારથી ખરાબ રીતે નાખુશ છે.
એક તરફ ભાજપની સરકાર છે જે લોકોનું આ રીતે જીવવું મુશ્કેલ બનાવી રહી છે અને બીજી તરફ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી ની સરકાર છે, જે લોકોના ખર્ચાઓ ઘટાડવા માટે સતત મહેનત કરી રહી છે અને દિલ્હીમાં શ્રેષ્ઠ સુવિધાઓ આપી રહી છે. દેશની જનતા આ બધું જોઈ રહી છે કે કેવી રીતે કેન્દ્ર સરકાર લોકોને લૂંટવામાં લાગેલી છે અને દિલ્હીમાં એક સરકાર છે જે લોકોનું જીવન સરળ બનાવવામાં લાગેલી છે.
આમ આદમી પાર્ટી વેપારીઓ ના વિરોધ પ્રદર્શનને સમર્થન આપે છે અને કેન્દ્ર સરકારને આ વધેલા ટેક્સને વહેલી તકે પાછો ખેંચવા અપીલ કરે છે. જો જરૂર પડશે તો આમ આદમી પાર્ટી ગુજરાત ના વેપારીઓ સાથે ખભેથી ખભો મિલાવીને ઉભી રહેશે અને સંઘર્ષ કરશે. અને એવી પણ અપીલ કરી છે કે ભવિષ્યમાં એવી નીતિઓ બનાવવામાં આવે જેનાથી લોકો નું જીવન સરળ બને.