કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે કોવિડ-19 વિરોધી રસીકરણ માટે ‘CoWin’ પ્લેટફોર્મ પર નોંધણી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત નથી. ન્યાયમૂર્તિ (જસ્ટિસ) ડી.વાય. ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ (જસ્ટિસ) સૂર્યકાંતની એક પીઠને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે રસીકરણ માટે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, રેશન કાર્ડ સહિત નવ ઓળખ દસ્તાવેજોમાંથી એક જ હોવું ફરજિયાત છે. સર્વોચ્ચ અદાલતે આ નિવેદનની નોંધ લીધી અને સિદ્ધાર્થશંકર શર્માની અરજીનો નિકાલ કર્યો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘કોવિન’ પ્લેટફોર્મ પર કોવિડ-19 વિરોધી રસીકરણ માટે નોંધણી કરાવવા માટે આધાર કાર્ડને ફરજિયાતપણે આગ્રહ કરવામાં આવી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ અરજી અંગે 1 ઓક્ટોબર, 2021ના રોજ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી.
પીઠે કહ્યું, “1 ઓક્ટોબર, 2021ના આ કોર્ટના આદેશ અનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક સોગંદનામું દાખલ કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘CoWin’ પ્લેટફોર્મ પર નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત નથી અને નવ દસ્તાવેજો માંથી કોઈપણ એકનો આ માટે ઉપયોગ કરી શકાય છે. એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અન્ય કેટેગરીના લોકો માટે જોગવાઈ કરવામાં આવી છે, જેમની પાસે ઓળખ કાર્ડ ન હોય શકે જેમ કે જેલના કેદીઓ, માનસિક આરોગ્ય કેન્દ્રોના લોકો વગેરે.
કોર્ટે કહ્યું, “કેન્દ્રના વકીલે જણાવ્યું છે કે ઓળખ કાર્ડ વગરના લગભગ 87 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. અરજદારની ફરિયાદ છે કે તેને આધાર કાર્ડ ન હોવાને કારણે તેમને રસીકરણ કરવાની ન પાડી દેવામાં આવી હતી, આ સમસ્યાનું પણ સમાધાન સોગંદનામામાં કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્ર્રના અગ્ર સચિવ (આરોગ્ય) ને સંબંધિત ખાનગી રસીકરણ કેન્દ્ર સામે પગલાં લેવા માટે એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેણે માન્ય પાસપોર્ટ ID હોવા છતાં અરજદારને રસી આપવાનો ઇનકાર કર્યો હતો. અરજદારની ફરિયાદનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે. તમામ સંબંધિત અધિકારીઓએ સરકારની નીતિ પ્રમાણે કામ કરે.
અરજીમાં ભારતના નાગરિકને આપવામાં આવેલા રસીકરણના અધિકારની સુરક્ષા માટે સમગ્ર દેશમાં પહેલેથી જ સૂચિત નિયમો/નીતિઓના અસરકારક અને બિન-ભેદભાવ કર્યા વગર લાગુ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી.