ચાલુ બસમાં ભીષણ આગ લાગતા મુસાફરો બચાવ બચાવ બૂમો પાડવા લાગ્યા, ડ્રાઈવરની સતર્કતાને કારણે તમામ મુસાફરો સુરક્ષિત
ચાલુ બસમાં લાગી ભીષણ આગ, ડ્રાઈવરની તત્પરતાથી મુસાફરોના બચ્યા જીવ
શામળાજી ના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જેસવાડી ગામ પાસે પ્રાંતિજ ડેપોની માલપુર-અમદાવાદ એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે આ આગ એટલી ભયાનક હતી કે તે આખી બસમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન બસમાં સવાર મુસાફરોએ બચાવવા માટે બચાઓ બચાઓ બૂમો પાડવા લાગ્યા હતા, પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે તમામ મુસાફરો સુરક્ષિત બહાર આવી ગયા હતા. આ બસમાં આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ.
આ દરમિયાન કોઈએ મોડાસા ફાયર ફાઈટરની ટીમને ઘટના અંગે જાણ કરી દીધી હતી. ત્યારે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટિમ તાત્કાલિક દોડી આવી હતી અને આ ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ગઈકાલે બપોરે પ્રાંતિજ ડેપોની માલપુર-અમદાવાદ એસટી બસ માલપુરથી મોડાસા તરફ જઈ રહી હતી. તે દરમિયાન જેસવાડી ગામ પાસે બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેના કારણે બસમાં બેસેલા મુસાફરોનો જીવ જોખમમાં મુકાય ગયો હતો. જો કે આ બસના તમામ મુસાફરો સુરક્ષિત છે. આ બસમાં આગ કેવી રીતે લાગી તે મામલે કોઈ માહિતી સામે આવી નથી.