કિશોરીને 100 ની નોટ બતાવી ‘ચલ મેરે સાથ’ કહેનાર વ્યક્તિને પડ્યું ભારે, કોર્ટે ફટકારી આટલા વર્ષની સજા
મુંબઈમાં ૧૨ વર્ષની કિશોરીને હેરાન કરનાર યુવકને ભારે પડ્યું છે. તેને મોટી સજા ફટકારવામાં આવી છે. મુંબઈમાં 12 વર્ષની છોકરીને 100ની નોટ બતાવીને ‘ચલ મેરે સાથ…’ કહેવાના કૃત્ય બદલ જાતિય સતામણી ગણાવતા POCSO કોર્ટ દ્વારા 28 વર્ષના આરોપીને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
મુંબઈની આ ઘટનામાં આરોપી મોહમ્મદ મનસુરીને કસૂરવાર ઠેરવતા કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેણે આ કૃત્ય છોકરીની જાતિય સતામણી કરવાને લઈને કર્યું હતું. જ્યારે આરોપીની આ કેસમાં માર્ચ 2017 માં ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી 2018 માં જામીન પર છૂટ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. અંતે મે 2018 માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જેલમાં હતો.
આરોપીને ફટકારાયેલી સજામાં તેણે અત્યાર સુધી જેટલો સમય જેલમાં પસાર કર્યો છે તેને બાદ કરાશે. પીડિતાની માતાએ કોર્ટને કહ્યું હતું કે, માર્ચ 2017 માં દીકરી ઘરે રડતી-રડતી આવી હતી અને તેણે આરોપીના આ કૃત્ય વિશે કહ્યું હતું. આરોપી દ્વારા પીડિતા સાથે અગાઉ પણ આવું કૃત્ય કરવામાં આવી ચુક્યું છે. તે તેની સાથે તેનો પીછો પણ કરતો હતો તે જાણવા મળ્યું છે.
સગીરા દ્વારા ઘરે આવીને આ અંગે વાત કરતાં તેની માતાએ તરત જ પોતાના પતિને આ અંગે જાણ કરી નાખી હતી. ત્યારબાદ આરોપીની શોધખોળ શરુ કરવામાં આવી હતી અને તે નજીકની જ એક દુકાને આઈસક્રીમ ખાતો જોવા મળી ગયો હતો. સગીરાના પિતાએ તેને પકડીને લાફો મારી દીધો હતો.
તે સમયે તરત જ ત્યાં ટોળું એકઠું થઈ ગયું હતું અને મોહમ્મદ મનસુરીને ફટકારવામાં આવ્યો હતો. ત્યાંથી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આરોપીને સજા ફટકારતા પહેલા કોર્ટ દ્વારા સાત સાક્ષીને તપાસવામાં આવ્યા હતા. જેમાં બાળકો અને પીડિતાની માતા પણ સામેલ હતા. પોલીસ તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાવા અને પીડિતા તેમજ તેની માતાની ગવાઈના આધારે આરોપી સામે મજબૂત કેસ બનાવવામાં આવ્યો હતો.
સરકારી વકીલ વીણા શેલારે કોર્ટને કહ્યું હતું કે, આરોપી આ કૃત્ય આચરતા પહેલા પણ પીડિતાનો પીછો પણ કરી ચૂક્યો છે. જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે કોઈ જૂની દુશ્મની હોવાનું પણ તપાસમાં સામે આવ્યું નથી. કોર્ટ દ્વારા આ દલીલોને માન્ય રાખી આરોપીને 4 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.