પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ ખતમ કરવા માટે નવજોત સિધ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ હવે રાજસ્થાનમાં ચાલી રહેલો અશોક ગહેલોટ અને સચિન પાયલોટ વચ્ચેનો ખટરાગ દુર કરવા માટે પ્રયત્ન કરી રહ્યુ છે.
જેના ભાગરૂપે રાજસ્થાનમાં 28 જુલાઈએ મંત્રી મંડળનુ વિસ્તરણ થશે. પાયલોટ જૂથના ધારાસભ્ય મુકેશ ભાકર અને રામનિવાસ ગાવરિયાનુ કહેવુ છે કે, જે રીતે કોંગ્રેસ દ્વારા દેશમાં બદલાવ થઈ રહ્યા છે તે જોતા અમને ન્યાય મળશે તેમ લાગે છે.
ઉલ્લેખનીય છે કે, સચિન પાયલોટ દ્વારા પોતાના જૂથના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે તેવી લાંબા સમયથી માંગણી થઈ રહી છે પણ મુખ્યમંત્રી અશોક ગહેલોટ તેના પર ધ્યાન આપી રહ્યા નહોતા. જોકે હવે હાઈકમાન્ડે મામલો પોતાના હાથમાં લઈ લીધો હોય તેમ લાગે છે. મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કોંગ્રેસના મહાસચિવ કે સી વેણુગોપાલ અને રાજસ્થાન પ્રભારી અજય માકન જયપુર પહોંચ્યા છે અ્ને તેમણે અશોક ગહેલોટ સાથે બેઠક પણ યોજી છે.