પ્રેરણાત્મક

આખી વાત વાંચી ને તમારી આંખ માં પણ આંસુ આવી જશે

રોહિત એક મધ્યમ પરિવારમાં ઉછરેલો એકદમ સરળ સ્વભાવ ધરાવતો છોકરો અને ભણવામાં પણ ખુબ હોશિયાર હતો, રોહિત આજે સવારનો ખુબ ખુશ હતો કારણકે આજે તેનું 12 મા ધોરણ નું પરિણામ આવ્યું હતું અને મહેનત પણ રંગ લાવી હતી , રોહિત 84% સાથે પાસ થયો હતો.

આખા ઘરમાં આજે આનંદનો માહોલ છવાઈ ગયો હતો, આજે રોહિતને તો આખી રાત ઊંઘ ના આવી. સતત વિચારોમાં ખોવાયેલ રોહિતને આજે બહુ હરખ હતો કે આગળ ભણવું છે, મારે આગળ ભણીને મારા મનના રહેલા ઈચ્છાના આકાશમાં વિસ્તરવું છે, સરકારી નોકરી કરવી છે એવા મનમાં અનેક વિચાર કરતો રોહિત પણ જાણતો હતો કે મારા પપ્પાની પરિસ્થિતિ એવી નથી કે મને આગળ ભણાવી શકે, આવા અનેક વિચારો મનમાં આવતા હતા અને તે રાત્રે રોહિતે એક નિર્ણય કરી લીધો કે મારે પપ્પાને મારી ઈચ્છા જણાવી નથી અને કદાચ પૂછશે તો પણ હું કહીશ કે મારે આગળ ભણવાની ઈચ્છા નથી !

આગળ ભણવું હશે તો પેલા હું જાતે પગભર થઈ જાવ અને પછીજ મારો આગળનો અભ્યાસ કરીશ એવો દ્રઢ સંકલ્પ મનમાં કરી અને તેમના બારમાં ધોરણના પરિણામને રોહિતે એક સ્ટીલની પેટીમાં મૂકી અને તેમાં નાનકડુ તાળું લગાવી એમની ચાવી ખિસ્સામાં મૂકી દીધી અને સવાર સુધી જાગતો રહ્યો.

સવારે પપ્પા સાથે એમની નાનકડી કરિયાણાની દુકાને પપ્પા સાથે જતો રહે છે અને દુકાને જઈ દુકાનના થડામાં ખિસ્સામાં રહેલી એમની ઈચ્છાની ચાવીને ત્યાં મૂકી દીધી, અને પપ્પા સાથે કામે લાગી જાય છે. પપ્પા સાથે રોહિત એ દુકાનમાં કામમાં ગળાડૂબ થઈ જાય છે, ધીમે ધીમે સમય સમય ની સાથેસાથે આ બાપ દીકરા ની મહેનત પણ રંગ લાવવા માંડી.

રોહિતે ત્રણ જ વર્ષ પોતાની બુધ્ધિ થી દુકાન ના આ નાનકડા વેપારને એટલો આગળ વધારી દીધો કે ભાડા પરની રાખેલી દુકાન હવે પોતાની માલિકીની કરી લીધી અને હવે પૈસે ટકે પણ સુખી થઈ ગયા.

એક દિવસ રવિવારની સવારે દુકાન સાફ સફાઈ કરતા થડામાંથી આજે પપ્પાના હાથમાં રોહિતે મુકેલી ચાવી હાથમાં આવી અને રોહિતને પૂછ્યું, ‘બેટા, આ નાનકડી ચાવી મારા હાથમાં ઘણીવાર આવી છે ,આ ચાવી શેની છે મેં પણ તને ઘણીવાર આ સવાલ પૂછ્યો છે ? તું દર વખત વાતને ટાળી દે છે. આજે તો મારે જવાબ જોઈએ.’ ત્યારે રોહિત બોલ્યો, ‘પપ્પા આપણે ઘરે જઈને નિરાંતે વાત કરીએ ‘અને બપોરે ઘરે જાય છે.

બપોરે જમીને પપ્પા એ સીધો સવાલ કર્યો  ‘બોલ, રોહિત આજે જે હોય તે સાચું બોલીદે બેટા, હવે તો મને કહે આ ચાવી શેની છે?’ ત્યારે રોહિત ત્રણ વર્ષથી પેક પડેલી પેટી એમના પપ્પાના હાથમાં આપીને કહે છે, તમે આ પેટી ખોલીને જોઈલો ત્યારે પપ્પા પેટી ખોલે છે, ત્યારે પેટી માંથી બરમાનું પરિણામ નીકળે છે,અને રોહિતની આંખ માંથી આંસુ સરી પડ્યા. ત્યારે પપ્પા બોલ્યા બેટા જે મનમાં છે આજે તું તારા પપ્પાને કહીદે,’ત્યારે રોહિત તે રાત્રે જે વિચારોનું ઘમાસાણ મનમાં થયું હતું તે બધું પપ્પાને કહે છે,

અને પપ્પા પણ રડતી આંખે બોલ્યા, ‘બેટા તારે મને વાત તો કરવી હતીને તારો બાપ ગમે તેમ કરી તને ભણાવત દીકરા. શા માટે તે તારા સપના ઓ ને આ પેટી માં બંધ કરી ને મૂકી દીધા ? મને ખબર છે તને તારા બાપની આ પરિસ્થિતિ આડી હશે એટલે  તે તારા જીંદગીના અમુૂલ્ય ત્રણ વર્ષ બગાડ્યા પણ બેટા રોહિત આજે તારા પપ્પા તને કહે છે તું આ વર્ષે ફરી ભણવાનું ચાલુ કરી દે.’

બસ આ શબ્દો સાંભળી રોહિત એમના પપ્પાને ગળે વળગીને એક નાનકડું બાળક રડે એ રીતે ધ્રુસકે ધ્રુસકે તે રડવા લાગ્યો.

[quads id=1]

Related Articles

Back to top button