એપ્રિલ-ડિસેમ્બર-20 સુધી બેંકોની 1.15 લાખ કરોડની બેડલોન્સ, સામાન્ય જનતા પાસેથી ચાર્જ રૂપે કરોડોની કમાણી
- સામાન્ય જનતા પાસેથી ચાર્જ રૂપે કરોડોની કમાણી
- એપ્રિલ-ડિસેમ્બર-20 સુધી બેંકોની 1.15 લાખ કરોડની બેડલોન્સ
- લોકસભામાં પુછાયેલા એક સવાલના જવાબમાં સરકારે લોન વસૂલાત અંગે ગૃહ સમક્ષ રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરે સ્થિતિની કબૂલાત કરી
એક તરફ, બેંકો સામાન્ય માણસ પાસેથી જાતભાતના ચાર્જ વસૂલીને તગડી કમાણી કરતી હોય છે, જો લોનનો એકાદ હપ્તો ભરવાનું ચૂકી જવાય તો તગડો દંડ કરતી હોય છે, ત્યારે બીજી તરફ બેંકો તગડી લોન્સ લઈને બેસેલા લોકો પાસેથી 1.15 લાખ કરોડની વસૂલી કરવામાં નિષ્ફળ રહી છે. નાણાંકીય વર્ષના પહેલા ત્રણ ક્વાર્ટર એટલે કે એપ્રિલ 2020થી ડિસેમ્બર 2020 સુધીના ગાળામાં દેશની બેંકોએ 1.15 લાખ કરોડ રુપિયાની બેડ લોન્સને પોતાની બેલેન્સ શીટમાંથી હટાવી દીધી છે. લોકસભામાં આ અંગે પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા સરકારે જ તેની કબૂલાત કરી હતી.
બેંક દ્વારા આપવામાં આવેલી લોનની વસૂલી ના થઈ શકે ત્યારે તેને બેડ લોન જાહેર કરવામાં આવે છે. આરબીઆઈના નિયમ અનુસાર, બેંકે જેટલી રકમની લોન બેડ લોન જાહેર થાય તેટલી રકમની અલગથી જોગવાઈ કરવી પડે છે. જો ચાર વર્ષ સુધી બેડ લોનમાં કોઈ પ્રકારની વસૂલી ના થાય તો પછી બેંકો તેની રકમને પોતાના વતી બેલેન્સ શીટમાં ઉમેરીને લોનની અમાઉન્ટને રાઈટ-ઓફ કરી (બેલેન્સ શીટમાંથી હટાવી) દેતી હોય છે.
આરબીઆઈની ગાઈડલાઈન્સ અને બેંકોના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી પૉલિસી હેઠળ બેડ લોનના ચાર વર્ષ પૂરા થયા હોય અને તેનું ફુલ પ્રોવિઝન પણ કરાઈ ચૂક્યું હોય, તેમને બેંકની બેલેન્સ શીટમાંથી બહાર કરી દેવાઈ છે. આ માહિતી રાજ્યકક્ષાના નાણાંમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આપી હતી.
ઠાકુરે જણાવ્યું હતું કે, બેંકો પોતાની બેલેન્સ-શીટ ચોખ્ખી કરવાની કવાયત નિયમિત રીતે હાથ ધરતી હોય છે, અને તેના ભાગરુપે જે લોનની વસૂલી અટવાઈ ગઈ હોય, તેનું પ્રોવિઝન કરીને તેની અસરનું આકલન કરાતું હોય છે. તેમાં બેંક આરબીઆઈની ગાઈડલાઈન અનુસાર તેમજ પોતાના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી પૉલિસીને આધિન રહી ટેક્સ બેનિફિટ અને મૂડીનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ પણ સામેલ છે.
જોકે, મંત્રીએ સંસદને એમ પણ જણાવ્યું હતું કે, બેંકોએ ભલે પોતાની બેલેન્સ શીટ ચોખ્ખી કરવા માટે બેડ લોન્સને તેમાંથી દૂર કરી દીધી હોય, પરંતુ તેનો ફાયદો લોન લેનારાઓને નહીં મળે. કારણકે, આ કેસમાં લોન લેનાર તેની ચૂકવણી કરવા માટે જવાબદાર રહેશે અને બેંક પણ તેની પાસેથી ઉઘરાણી કરવાનું ચાલુ રાખશે. આરબીઆઈના ડેટા અનુસાર, શિડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકોએ 2018-19 દરમિયાન 2,36,265 કરોડ રુપિયાની લોન જતી કરી છે. જ્યારે 2019-20 દરમિયાન આ આંકડો 2,34,170 કરોડ રુપિયા અને 2020-21ના પહેલા ત્રણ ક્વાર્ટર દરમિયાન 1,15,038 કરોડ રુપિયા હતો.