34 લાખની બોલી લગાવીને ફરી ગયેલ યુવકની બોલી, નવી કાર માટે 0007 નંબર માત્ર 25,000માં લીધો
અમદાવાદ આરટીઓ ઓફિસમાં 0007 ફેન્સી નંબર માટે રેકોર્ડ બ્રેક 34 લાખ રૂપિયાની બોલી લગાવીને અમદાવાદી યુવક પાછો ફરી ગયો હતો. જોકે હવે આ જ અમદાવાદીએ પોતાના બીજી એસયુવી કાર માટે માત્ર 25,000 રૂપિયામાં નવો 0007 નંબર ખરીદી લીધો છે. આશિક પટેલ નામનો આ યુવક જ નહીં 3 ટકા જેટલા લોકોએ ફેન્સી નંબર પ્લેટ માટે મોટી બોલી લગાવીને છેલ્લે રકમ ચૂકવી નહોતી.
જોકે આશિક પટેલનો દાવો છે કે તે ઓનલાઈન 34 લાખ રૂપિયાની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે આરટીઓ અધિકારીના કહેવા મુજબ, કોઈણ ઓનલાઈન રકમ ચૂકવી શકે છે અને અમદાવાદ આરટીઓમાં કેશમાં પણ ચૂકવણી કરી શકે છે. નવેમ્બર મહિનામાં 28 વર્ષના ટ્રાન્સપોર્ટર આશિક પટેલે નવી ખરીદેલી 39.5 લાખની એસયુવી માટે જીજે-01-ડબ્લ્યુએ-0007 ના ફેન્સી નંબરની હરાજીમાં 34 લાખની બોલી લગાવી હતી. જોકે બાદમાં તેણે આરટીઓમાં આ રકમ જમા કરાવી નહોતી.
આ વિશે આશિક પટેલે કહ્યું કે, મેં મારી નવી કાર માટે આ નંબર લેવાનું નક્કી કયુ હતું અને હરાજીમાં મને 34 લાખમાં આ નંબર મળ્યો હતો. મેં ઓનલાઈન પેમેન્ટ ચૂકવવાનો પ્રયાસ કર્યો, જે નિયમ મુજબ ફરજિયાત છે, પરંતુ સિસ્ટમ 4.5 લાખથી વધુની રકમ સ્વીકારી રહી નહોતી. તે વધુમાં ઉમેરે છે કે, હું તેના માટે પેમેન્ટ કરી શક્યો નહીં, બાદમાં મને મારા નવા વાહન માટે આ જ નંબર મળી ગયો. આ વખતે હરાજીમાં અન્ય કોઈ ન હોવાના કારણે મને અન્ય એસયુવી માટે બેસ પ્રાઈસ 25 હજારમાં જ નંબર મળી ગયો હતો. આરટીઓ અધિકારી બી. લિંબાચિયાએ કહ્યું કે, લોકો ગમે તેટલી રકમ ઓનલાઈન ચૂકવી શકે છે અને કેસમાં ચૂકવણીનો પણ વિકલ્પ છે.
વ્યક્તિના ફરી જવા અને પૈસા ન ચૂકવવા વિશે હું ટિપ્પણી ન કરી શકું. અન્ય સીનિયર આરટીઓ અધિકારીએ કહ્યું કે, સામાન્ય રીતે હરાજીમાં 1 લાખની રકમની બોલી બાદ વ્યક્તિને બીજો વિચાર આવે છે અને કદાચ મિત્રો અને સંબંધીઓ સાથે ચર્ચા તેઓ પોતાનું નામ કઢાવી લે છે. આવા કિસ્સામાં બોલી લગાવનારની નજીક વ્યક્તિની નજીકની રકમ માટે બોલી લગાવનારી વ્યક્તિને બેસ પ્રાઈસ પર નંબર મળી જાય છે. ઉદાહરણ તરીકે, ગોલ્ડન નંબર 0007ના કિસ્સામાં, બેસ પ્રાઈસ 25,000 રૂપિયા છે. ટુ-વ્હીલર વાહનના કિસ્સામાં એક બાર હરાજી 50,000 અથવા તેનાથી ઉપર પહોંચી જાય પછી લોકો પીછે હઠ કરતા હોય છે.