હવે ભારતના રસ્તાઓ પર પણ ટૂંક સમયમાં હાઈડ્રોજન કાર (Hydrogen Car) ચાલતા જોવા મળશે. બહુપ્રતિક્ષિત પહેલી હાઇડ્રોજન કારે ભારતમાં તેની સફર શરૂ કરી દીધી છે. કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે બુધવારે તેની (Toyota Mirai) પર સવારી કરી હતી.
ધુમાડો નથી, પાણી બહાર કાઢે છે આ કાર
કેન્દ્રીય મંત્રી આજે આ અદ્યતન કારમાં સવાર થઈને સંસદ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્વચ્છ ઈંધણ પર ચાલતી આ કાર લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કારને ટોયોટા કંપનીના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે અને તેમાં એડવાન્સ ફ્યુઅલ સેલ લગાવવામાં આવ્યા છે. આ અદ્યતન કોષ ઓક્સિજન અને હાઇડ્રોજનના મિશ્રણમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીથી કાર ચાલે છે. આ કારમાંથી માત્ર પાણી ઉત્સર્જનના રૂપમાં બહાર આવે છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું ભારતનું ભવિષ્ય
નીતિન ગડકરીએ કહ્યું કે આ કાર સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે અને કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી. તેમણે કહ્યું કે આ કાર ભારતનું ભવિષ્ય છે. પેટ્રોલ અને ડીઝલ એન્જીનવાળી કાર ખૂબ જ પ્રદુષણ ફેલાવે છે, પરંતુ હાઈડ્રો ફ્યુઅલ સેલ કાર કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી નથી.
નામનો અર્થ જ છે ભવિષ્ય
Toyota Kirloskar Motors (Toyota) એ હાલમાં ભારતીય બજારમાં તેની હાઇડ્રોજન કાર Toyota Mirai લોન્ચ કરી છે. ગડકરીએ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ પર ચાલતી આ દેશની પ્રથમ કાર લોન્ચ કરી હતી. ગડકરીએ આ કારને માત્ર ભવિષ્ય નહોતું કહ્યું. રસપ્રદ વાત એ છે કે કારના નામનો પણ આ જ અર્થ છે. જાપાનીઝમાં ‘મિરાઈ’ શબ્દનો અર્થ ફ્યુચર એટલે ભવિષ્ય થાય છે.
આ રીતે કામ કરે છે આ કાર
Toyota એ આ કાર માટે હાઇડ્રોજન આધારિત ફ્યુઅલ સેલ સિસ્ટમ વિકસાવી છે. ખરેખરમાં આ એક ઇલેક્ટ્રિક વાહન પણ છે, જે હાઇડ્રોજનનો ઉપયોગ કરીને ચલાવવા માટે જરૂરી વીજળી બનાવે છે. હાઇડ્રોજન તેની ઇંધણ ટાંકીમાંથી ફ્યુઅલ સેલ સ્ટેકને સપ્લાય કરવામાં આવે છે. આ કાર તેની આસપાસની હવામાં હાજર ઓક્સિજનને ખેંચે છે. પછી આ બે વાયુઓની રાસાયણિક પ્રક્રિયા પાણી (H2O) અને વીજળી ઉત્પન્ન કરે છે. કાર ચલાવવા માટે વીજળીનો ઉપયોગ થાય છે, જ્યારે સાઇલેન્સરમાંથી પાણી નીકળે છે.