IPL ની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી શકે છે MS Dhoni, આટલા રન બનાવી પ્રાપ્ત કરી શકે છે આ ખાસ સિદ્ધી
IPL-2022 ની શરૂઆત શનિવારના એટલે આજથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ સાથે થવા જઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ચેન્નાઈને ચાર વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે ચેન્નાઈની કેપ્ટનશીપ સંભાળશે. તેમ છતાં ધોની આઈપીએલમાં ચેન્નાઈ તરફથી રમવાનું ચાલુ રાખશે. પ્રથમ જ મેચમાં તેમની પાસે ઈતિહાસ રચવાની તક છે.
આ ખાસ રેકોર્ડ બનાવી શકે છે મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોનીએ તેમની IPL કારકિર્દીમાં 220 મેચ રમ્યા છે, જેમાં તેમને 4746 રન બનાવ્યા છે. ધોનીએ આઈપીએલમાં 23 અડધીસદી પણ ફટકારી છે અને તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ 84 રન છે. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 98 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 1617 રન બનાવ્યા છે. તેના સિવાય તેમને ઝારખંડ સ્ટેટ ટીમ તરફથી કેટલીક ટી-20 મેચો પણ રમી હતી. કુલ મળીને અત્યાર સુધી મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની T-20 કારકિર્દીમાં કુલ 347 મેચ રમી છે, જેમાં તેણે 6935 રન બનાવ્યા છે. જો ધોની કોલકાતા સામે 65 રન બનાવશે તો તે ટી-20 ક્રિકેટમાં 7000 રન પૂરા કરી લેશે. તે T20 કારકિર્દીમાં 7000 રન પૂરા કરનાર ભારતના છઠ્ઠા ક્રિકેટર બની જશે.
આ યાદીમાં સામેલ થઈ જશે
અત્યાર સુધી ભારતના પાંચ બેટ્સમેનોએ T-20 ક્રિકેટમાં 7000 કે તેથી વધુ રન બનાવ્યા છે. KKR સામેની મેચમાં ધોની પાસે વિરાટ કોહલી (10273 રન), રોહિત શર્મા (9895 રન), શિખર ધવન (8775 રન), સુરેશ રૈના (8654 રન) અને રોબિન ઉથપ્પા (7042 રન) ની યાદીમાં સામેલ થવાની તક છે. .