ગુજરાત સરકારે આજે બુધવારે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં લગભગ 3.46 લાખ શિક્ષિત બેરોજગાર યુવાનો છે. આ ઉપરાંત લગભગ 17,816 અર્ધ સાક્ષર યુવાનો બેરોજગાર બન્યા છે. ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યમાં બેરોજગારી અંગે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.
ધારાસભ્યએ ડિસેમ્બર 2021માં પૂરા થતા બે વર્ષમાં આપવામાં આવેલી સરકારી નોકરીઓની માહિતી પણ માંગી હતી. આના જવાબમાં મંત્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષ (2020 અને 2021) માં 1,278 લોકોને સરકારી નોકરી આપવામાં આવી છે જ્યારે 4.53 લાખ લોકોને રોજગાર કાર્યાલય દ્વારા ખાનગી ક્ષેત્રમાં કામ મળ્યું છે. મંત્રીએ કહ્યું કે સરકારી નોકરીઓમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની મદદ વગર નોકરી મેળવનારાઓના આંકડા શામેલ કરવામાં આવ્યા નથી. આ અંગે જિલ્લાવાર માહિતી આપતા મંત્રીએ તેમના જવાબમાં કહ્યું હતું કે રાજ્યમાં બેરોજગારોની કુલ સંખ્યા 3,64,252 છે.
રાજ્યનો વડોદરા જિલ્લો 26,921 બેરોજગાર યુવાનો સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. ત્યારબાદ અમદાવાદમાં 26,628 વ્યક્તિઓ બેરોજગાર છે. આજે બુધવારે, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અમદાવાદમાં મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, ભાજપ નોકરીઓ અંગે મોટા મોટા વચનો આપે છે પરંતુ જ્યારે અમલીકરણની વાત આવે છે, ત્યારે તેઓ મોટા પાયે નિષ્ફળ જ રહે છે.
તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ સરકારમાં 4.5 થી 5 લાખ નોકરીઓની ખાલી જગ્યાઓ ભરવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસે બેરોજગારીના મુદ્દાને ચર્ચામાં લાવવાના ઉદ્દેશ્ય સાથે 28 માર્ચે યુવાનોની બેઠક યોજવાનું આયોજન કર્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, સરકાર પાસે આવનારા દિવસોમાં રોજગારી આપવાનું કોઈ આયોજન નથી. આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં બેરોજગારી અને સરકારી નોકરીઓમાં થતી ગેરરીતિઓ, સરકારી નોકરીઓમાં ભરતી માટે પરીક્ષા પેપર લીક થવાના બનાવો સહિતના મુદ્દે સંમેલન આયોજિત કરશે.