મહિલા દિવસ પર વિશેષ: દેશમાં 5 વર્ષમાં બાળ લગ્નની ઘટનાઓ વધીને થઇ ગઈ બમણી
મહિલા દિવસ પર વિશેષ: દેશમાં 5 વર્ષમાં બાળ લગ્નની ઘટનાઓ વધીને થઇ ગઈ બમણી
International Women’s Day એક તરફ કેન્દ્ર સરકાર છોકરીઓના લગ્નની ઉંમર પણ 18 વર્ષથી વધારીને યુવાનોની જેમ 21 વર્ષ કરવા જઈ રહી છે. બીજી તરફ જમીની વાસ્તવિકતા એ છે કે આજના યુગમાં પણ દેશમાં બાળ લગ્નો અટકવાના બદલે વધી રહ્યા છે.
છેલ્લા પાંચ વર્ષમાં બાળ લગ્નની ઘટનાઓ વધીને બમણી થઈ ગઈ છે. દેશમાં વર્ષ 2020માં જ છોકરીઓ ભણવા-રમવાની ઉંમરની હતી એવી 785 ‘લાડો’ ના લગ્ન કરાવી દીધા, જ્યારે વર્ષ 2016માં બાળ લગ્નના 326 કેસ નોંધાયા હતા.
જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2020માં કર્ણાટકમાં સૌથી વધુ 184 બાળ લગ્ન થયા છે, જ્યારે ગુજરાત ટોચના 10 રાજ્યોમાંનું એક છે. આ રાજ્યોમાં આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, મહારાષ્ટ્ર, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા પણ શામેલ છે.
આ સ્થિતિ ત્યારે છે જ્યારે કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારો બાળ લગ્ન રોકવાના પ્રયાસો કરવાનો દાવો કરે છે. દરેક જિલ્લામાં બાળ લગ્ન નિવારણ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.
5 વર્ષમાં 2530 બાળ લગ્ન
છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો દર વર્ષે બાળ લગ્નની ઘટનાઓ વધી રહી છે. વર્ષ 2016માં 326 બાળલગ્ન થયા હતા જે 2017માં વધીને 395 થઈ ગયા છે. 2018માં 501 બાળ લગ્ન થયા હતા જ્યારે 2019માં આવી 523 ઘટનાઓ બની હતી. 2020માં આ સંખ્યા વધીને 785 થઈ ગઈ.
ગામમાં સરકારી શાળાઓનો અભાવ મુખ્ય કારણ
બાળલગ્ન વધવાનું મુખ્ય કારણ ગામડાઓમાં પ્રાથમિકથી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્તર સુધીની સરકારી શાળાઓનો અભાવ છે. આજે પણ ઘણા સમુદાયના લોકો બાળકીને ભણવા માટે પડોશના ગામમાં મોકલતા નથી. તેમને ઘરે બેસાડી દે છે. પછી તેમના લગ્ન કરાવી દે છે. ભલે પછી બાળકીની ઉંમર 18 વર્ષ થાય છે કે નહીં. કોરોના કાળમાં બાળ લગ્નની ઘટનાઓ વધુ વધી ગઈ છે. ઓનલાઈન એજ્યુકેશનના જમાનામાં મોબાઈલ પર પહેલો અધિકાર પુત્રનો રહ્યો, પુત્રીને મોબાઈલ મળી શકયો નહિ. ઊલટું, તેને ઘરે બેસાડીને લગ્ન કરાવી દીધા. સમાજમાં આ વિચારસરણી બદલવાની પણ લોકોને જરૂર છે.
ઉત્તરપૂર્વ ભારતના રાજ્યમાં એક પણ બાળ લગ્ન નથી
જો છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ઉત્તરપૂર્વ ભારતના રાજ્યોમાં બાળ લગ્નનો એક પણ કેસ નોંધાયો નથી. જેમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમનો સમાવેશ થાય છે. આ સિવાય ગોવામાં પાંચ વર્ષમાં એક પણ બાળ લગ્ન થયા નથી.
2020 માં બાળ લગ્નની ઘટનાઓ
રાજ્ય – બાળ લગ્ન
– કર્ણાટક – 184
– આસામ- 138
– પશ્ચિમ બંગાળ- 98
– તમિલનાડુ- 77
– તેલંગાણા- 60
– મહારાષ્ટ્ર- 50
– હરિયાણા- 33
– આંધ્ર પ્રદેશ- 32
– ઓરિસ્સા- 24
– ગુજરાત- 15
(સ્ત્રોતઃ લોકસભામાં રજૂ કરાયેલ આંકડા)