ગુજરાતના મહેસાણા જિલ્લામાં લગ્નની મહેફિલમાં ભોજન લીધા બાદ એક હજારથી વધુ લોકો બીમાર પડ્યા હતા. બીમાર લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે. વિસગર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બીએમએલ મહેરિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ નેતા વજીરખાન પઠાણ (Wazir Khan Pathan)ના પુત્રના લગ્ન 3 માર્ચે થયા હતા. તેમણે 4 માર્ચે રિસેપ્શન (Reception) આપ્યું હતું. જેમાં 12 થી 14 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાંથી 1 હજાર 57 લોકોમાં ફૂડ પોઈઝનિંગના લક્ષણો જોવા મળ્યા છે. આ પછી તેમને ગાંધીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થજયસિંહ ગોહિલે જણાવ્યું કે હોસ્પિટલ પ્રશાસનની સૂચના પર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે સ્વાગતમાં પીરસવામાં આવતી મીઠાઈઓ અને ખાદ્યપદાર્થોના નમૂના FSL અને FDCA દ્વારા લેવામાં આવ્યા છે. તેના તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગ પણ આ મામલે તપાસ કરી રહ્યું છે. બીમાર વ્યક્તિઓના ઉલ્ટી અને શૌચના સેમ્પલ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કેટરરની બેદરકારીનો કેસ હોવાનું જણાઈ રહ્યું છે. તે ખોરાકમાં ભેળસેળનો કેસ પણ હોઈ શકે છે.
કેટરર વિરુદ્ધ કરી શકાય છે FIR
પોલીસ વડાએ કહ્યું કે આવા કિસ્સાઓમાં આયોજક અથવા પીડિત દ્વારા FIR દાખલ કરવામાં આવે છે. પીડિત પક્ષ કેટરર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે અને સારવાર પર થયેલા ખર્ચની ભરપાઈ અને નુકસાની માંગી શકે છે. સિવિલનો મામલો હોવાથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લગભગ 1250 લોકોમાં મધ્યમથી ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. હજુ સુધી કોઈના મોતના અહેવાલ નથી.
રિપોર્ટ અનુસાર મહેસાણાના મુખ્ય આરોગ્ય અધિકારી વિષ્ણુ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. જયારે, આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આની માહિતી મળતા જ પટેલ સવારે 3.30 વાગ્યે વિસનગરની સિવિલ હોસ્પિટલ, વડનગરની સરકારી હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલમાં પહોંચ્યા.