રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડના મહાન બોલર રિચર્ડ હેડલીનો તોડ્યો આ મોટો રેકોર્ડ
ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રવિચંદ્રન અશ્વિન મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં શ્રીલંકાના ધનંજય ડી સિલ્વાની વિકેટ લેવાની સાથે પોતાના નામે એક મોટો રેકોર્ડ નોધાવી દીધો હતો. આ વિકેટ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર દુનિયાના 11 માં બોલર બની ગયા હતા.
ભારતના પ્રીમિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ન્યૂઝીલેન્ડના મહાન ખેલાડી સર રિચર્ડ હેડલીને પાછળ છોડી દીધા હતા. ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની આ 432 મી વિકેટ હતી, જ્યારે રિચર્ડ હેડલીએ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ ટીમ માટે તેમની ટેસ્ટ કારકિર્દીમાં 431 વિકેટ લીધી હતી.
એટલું જ નહીં, રિચર્ડ હેડલીએ જે કામ 86 મેચમાં કર્યું હતું, તે જ કામ રવિચંદ્રન અશ્વિને 85 મેચમાં કરી દેખાડ્યું છે. તે દુનિયાના 11 માં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર બની ગયા છે. હવે રવિચંદ્રન અશ્વિનની નજર શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી રંગના હેરાથ (433 વિકેટ), ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવ (434 વિકેટ) અને સાઉથ આફ્રિકાના દિગ્ગજ ડેલ સ્ટેન (439 વિકેટ) ના રેકોર્ડ તોડવા પર રહેશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે ભારતે ટી ટાઈમ પહેલા આઠ વિકેટે 574 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 175 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ઓપનર કરુણારત્ને અને થિરિમાનેએ પ્રથમ વિકેટ માટે 48 રનની સારી ભાગીદારી નોંધાવી હોવા છતાં અશ્વિને થિરિમાને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી દીધી હતી. શ્રીલંકાએ બીજા દિવસની રમતના અંતે 108 રનમાં તેની ચાર વિકેટ ગુમાવી દીધી છે અને તેના પર ફોલોઓનનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. શ્રીલંકા હાલમાં ભારતના સ્કોરથી 466 રન પાછળ છે અને આવતીકાલે તેને લાંબી ભાગીદારીની જરૂરીયાત છે.