ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે 38 દોષિતોને તેમની મૃત્યુદંડની પુષ્ટિ કરવા નોટિસ મોકલી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના એમ ભટ્ટની ખંડપીઠે બધા 38 દોષિતોને નોટિસ જારી કરી હતી જેમને એક વિશેષ અદાલતે 18 ફેબ્રુઆરીના રોજ મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA (Unlawful Activities Prevention Act) હેઠળ સજા ફટકારવા આવી હતી.
વિશેષ અદાલતે વિસ્ફોટના કેસમાં 38 દોષિતોને મૃત્યુદંડ અને 11 અન્યને આજીવન કેદની સજા સંભળાવી હતી. વિસ્ફોટોમાં 59 લોકો માર્યા ગયા હતા અને 246 થી વધુ લોકો ઘાયલ થઇ ગયા હતા. રાજ્ય સરકારે મૃત્યુદંડની સજા પામેલા દોષિતો માટે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) હેઠળ હાઈકોર્ટમાં ફોજદારી પુષ્ટિ દાવો દાખલ કર્યો હતો. જે દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38ને ફાંસીની સજા આપવામાં આવી છે. જો કે આ પહેલાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં 26 આરોપી ને ફાંસીની સજા આપવામાં આવી હતી.
CrPCની કલમ 366 અનુસાર, જો સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી હોય, તો દોષિતને ત્યાં સુધી ફાંસી આપવામાં આવતી નથી, જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા તેની પુષ્ટિ ન થઇ જાય.